News of Sunday, 21st December 2025
શ્રમિકોના હક પર તરાપ: આસામમાં કરોડોના વેલફેર ફંડનું કૌભાંડ, EDએ પ્રિન્ટિંગ હાઉસના માલિકની કરી ધરપકડ
ગરીબ મજૂરો માટેના ₹૧૨૧ કરોડ ઓળવી જનારા પ્રિયાંશુ બોઇરાગીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર, શેલ કંપનીઓ અને ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા કાળા નાણાંને ધોળા કરવાનું મસમોટું નેટવર્ક ઝડપાયું, લક્ઝરી કાર અને દસ્તાવેજો જપ્ત

ગુવાહાટી :આસામમાં ગરીબ અને અસંગઠિત ક્ષેત્રના બાંધકામ કામદારોના કલ્યાણ માટે ફાળવવામાં આવેલા ભંડોળમાં મસમોટું કૌભાંડ આચરનારા શખ્સ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ત્રાટકીને મોટી કાર્યવાહી કરી છે. મેસર્સ પૂર્વશ્રી પ્રિન્ટિંગ હાઉસના માલિક પ્રિયાંશુ બોઇરાગીની મની લોન્ડરિંગના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ૧૮ ડિસેમ્બરે ગુવાહાટીમાં તેમના નિવાસસ્થાન અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ EDએ તેમને સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી કોર્ટે આરોપીને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. આ ધરપકડથી આસામના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ સમગ્ર કૌભાંડની જડમાં શ્રમિકોના પરસેવાની કમાણીમાંથી કપાતો ૧ ટકા સેસ (Cess) રહેલો છે. નિયમ મુજબ, કોઈપણ બાંધકામ ખર્ચના ૧ ટકા રકમ કામદારોના અકસ્માત વીમા, પેન્શન અને તેમના બાળકોના શિક્ષણ માટે અલગ રાખવામાં આવે છે. પરંતુ, તપાસમાં બહાર આવ્યું છે કે પ્રિયાંશુ બોઇરાગીએ આસામ બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડના તત્કાલીન સભ્ય સચિવ ચોહાન ડોલી અને ચેરમેન ગૌતમ બરુઆ જેવા ઉચ્ચ અધિકારીઓ સાથે મિલીભગત કરીને આ પવિત્ર ભંડોળમાં ડાકુની જેમ લૂંટ ચલાવી હતી. ગરીબોની સામાજિક સુરક્ષા માટેના નાણાં અધિકારીઓ અને વેપારીઓની સાંઠગાંઠમાં હોમાઈ ગયા હતા.
EDની તપાસ મુજબ, વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૬ દરમિયાન પ્રિયાંશુ બોઇરાગીને બનાવટી અને કપટપૂર્ણ ટેન્ડર પ્રક્રિયા દ્વારા ₹૧૨૧.૦૫ કરોડના પ્રિન્ટિંગ કોન્ટ્રાક્ટ લહાણી તરીકે આપવામાં આવ્યા હતા. આ રકમમાંથી ₹૧૧૮.૫૫ કરોડ તેના બેંક ખાતામાં જમા થયા હતા. તપાસ એજન્સીએ આરોપ મૂક્યો છે કે આ નાણાં મળતાની સાથે જ બોઇરાગીએ તેને અંગત ફિક્સ્ડ ડિપોઝિટમાં ફેરવી નાખ્યા હતા અથવા દિલ્હી સ્થિત કેટલીક શેલ (નામની) કંપનીઓ દ્વારા ડાયવર્ટ કરી દીધા હતા. આ પ્રક્રિયા એટલી શાતિર રીતે કરવામાં આવી હતી કે ગુનાની મૂળ રકમનો પત્તો મેળવવો મુશ્કેલ બને, જે સીધેસીધો મની લોન્ડરિંગનો ગુનો બને છે.
દરોડા દરમિયાન EDની ટીમે માત્ર મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જ નહીં, પણ ગુનાની કમાણીમાંથી વસાવેલી એક કિંમતી ઓડી (Audi) કાર પણ જપ્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અગાઉ પણ ₹૩૪.૦૩ કરોડની બેંક ડિપોઝિટ જપ્ત કરવામાં આવી ચૂકી છે. આ કૌભાંડના તાર અત્યંત ઊંડા હોવાનું જણાય છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની પ્રબળ શક્યતા છે. શ્રમિકોના હિત સાથે રમત રમીને પોતાના ખિસ્સા ભરનારા આ 'સફેદ કોલર' ગુનેગારો સામેની કાર્યવાહીએ આસામમાં ચકચાર મચાવી દીધી છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
