News of Sunday, 21st December 2025
બાંગ્લાદેશમાં બળવાના ભણકારા: શરીફ હાદીના મોત બાદ યુનુસ સરકારને રવિવાર સાંજ સુધીનું અલ્ટીમેટમ
ઇન્કલાબ મંચના પ્રખર નેતા હાદીની હત્યાના વિરોધમાં ઢાકાના શાહબાગ સ્ક્વેર પર હજારો સમર્થકોના ધાડેધાડા, હત્યારાઓની ધરપકડ નહીં થાય તો દેશવ્યાપી હિંસક આંદોલનની ચીમકી અને શાહબાગનું નામ બદલવાની ઉગ્ર માંગ

ઢાકા : બાંગ્લાદેશમાં ફરી એકવાર લોહિયાળ અરાજકતાનું વાતાવરણ સર્જાયું છે. ઇકબાલ મંચના પ્રવક્તા અને લોકપ્રિય નેતા શરીફ ઉસ્માન હાદીના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોત બાદ સમગ્ર દેશમાં રોષની જ્વાળા ભભૂકી ઉઠી છે. ઇન્કલાબ મંચે મુહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારને સીધું અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે, જો રવિવારે સાંજે ૫:૧૫ વાગ્યા સુધીમાં હાદીના હત્યારાઓની ધરપકડ કરવામાં નહીં આવે, તો તેઓ ઢાકાના મુખ્ય કેન્દ્ર એવા શાહબાગ ખાતે અત્યાર સુધીનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન શરૂ કરશે. હાદીના દફનવિધિ બાદ ઉમટેલી લાખોની ભીડને જોતા સરકારના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.
આ હિંસાની શરૂઆત ૧૨ ડિસેમ્બરના રોજ થઈ હતી, જ્યારે ઢાકાના પલટન વિસ્તારમાં બે મોટરસાઈકલ સવાર હુમલાખોરોએ હાદીના માથામાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હતી. સિંગાપોરમાં સારવાર દરમિયાન ગુરુવારે રાત્રે હાદીનું મોત નીપજ્યું હતું. શુક્રવારે જ્યારે તેમનો મૃતદેહ ઢાકા લાવવામાં આવ્યો, ત્યારે હજારોની મેદની રસ્તા પર ઉતરી આવી હતી. સમર્થકોએ માત્ર હત્યારાઓની ધરપકડની જ નહીં, પરંતુ પ્રખ્યાત શાહબાગ સ્ક્વેરનું નામ બદલીને "હાદી ચતોર" કરવાની પણ માંગ કરી છે. હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં ઠેર-ઠેર આગચંપી અને મીડિયા હાઉસ પર હુમલાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.
બીજી તરફ, વચગાળાની સરકારના પ્રમુખ મુહમ્મદ યુનુસે સ્થિતિને થાળે પાડવા માટે ભાવુક પત્તું ખેલ્યું છે. તેમણે હાદીના આદર્શોને જીવંત રાખવાની પ્રતિજ્ઞા લેતા કહ્યું કે, હાદીનું વિઝન તેમના મૃત્યુ સાથે સમાપ્ત નહીં થાય. યુનુસે હાદીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, "ઓ પ્રિય ઉસ્માન હાદી, તમે બાંગ્લાદેશીઓના હૃદયમાં અમર રહેશો." જોકે, પ્રદર્શનકારીઓ યુનુસના આશ્વાસનથી સંતુષ્ટ જણાતા નથી. તેમનો આક્ષેપ છે કે સરકાર જાણીજોઈને તપાસમાં ઢીલ મૂકી રહી છે અને હત્યારાઓને છાવરી રહી છે.
હાલમાં ઢાકાના શાહબાગ વિસ્તારમાં પોલીસ અને લશ્કરી દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રવિવારની સાંજ બાંગ્લાદેશના રાજકારણ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. જો સરકાર કોઈ ચોક્કસ કાર્યવાહીની જાહેરાત નહીં કરે, તો બાંગ્લાદેશ ફરી એકવાર મોટા પાયે આંતરવિગ્રહ અને હિંસાની ગર્તામાં ધકેલાઈ શકે છે. દેશના પત્રકારો અને લઘુમતી જૂથોમાં પણ મીડિયા પર થયેલા હુમલા બાદ ગભરાટ ફેલાયેલો છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ બાંગ્લાદેશની આ બદલાતી જતી પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યો છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
