હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુપીના મંત્રીના ભાઈ સાથે હોસ્પિટલમાં કરુણાંતિકા: લોહીના ટેસ્ટ માટે લાઈનમાં ઉભા હતા અને અચાનક ઢળી પડ્યા
યોગી સરકારના કેબિનેટ મંત્રી બેબી રાની મૌર્યના ભાઈ ઉમેશ કુમારનું હાર્ટ એટેકથી આકસ્મિક નિધન, પેટમાં દુખાવાની ફરિયાદ બાદ જાતે જ હોસ્પિટલ પહોંચ્યા હતા, હોસ્પિટલ તંત્રમાં મચ્યો દોડધામ

આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. યોગી આદિત્યનાથ સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી બેબી રાની મૌર્યના ભાઈ ઉમેશ કુમારનું શનિવારે જિલ્લા હોસ્પિટલના પરિસરમાં જ કરુણ અવસાન થયું છે. આશ્ચર્યજનક અને દુઃખદ બાબત એ છે કે, ઉમેશ કુમાર જ્યારે લોહીના નમૂના (બ્લડ ટેસ્ટ) આપવા માટે સામાન્ય નાગરિકોની જેમ લાઈનમાં ઉભા હતા, ત્યારે જ તેઓ અચાનક જમીન પર ઢળી પડ્યા હતા. મંત્રીના ભાઈનું હોસ્પિટલની કતારમાં જ મોત થતા સમગ્ર આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ઘટનાની વિગતો મુજબ, ઉમેશ કુમારને શનિવારે સવારે અચાનક બેચેની અનુભવાતી હતી અને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તેઓ કોઈ પણ વીવીઆઈપી પ્રોટોકોલ વગર જાતે જ આગ્રા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. ફરજ પરના તબીબોએ તેમનું બ્લડ પ્રેશર તપાસ્યું અને ત્યારબાદ સોનોગ્રાફી તેમજ બ્લડ રિપોર્ટ કરાવવાની સલાહ આપી હતી. તબીબોના જણાવ્યા મુજબ, રિપોર્ટ કરાવવા માટે જ્યારે તેઓ પેથોલોજી લેબની બહાર લાઈનમાં ઉભા રહ્યા ત્યારે જ તેમની તબિયત વધુ લથડી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા.
હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ઉમેશ કુમાર જેવી જ રીતે જમીન પર પડ્યા, તુરંત જ મેડિકલ સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો. તેમને ઈમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યા અને સીપીઆર (CPR) આપીને બચાવવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. ડોક્ટરોનું પ્રાથમિક તારણ છે કે તેમને તીવ્ર હૃદયરોગનો હુમલો (મેસિવ હાર્ટ એટેક) આવ્યો હતો. નોંધનીય છે કે, લાઈનમાં ઉભા રહેતા પહેલા તેમનો ECG કરવામાં આવ્યો હતો જેમાં કોઈ ખામી જણાઈ નહોતી, પરંતુ બ્લડ ટેસ્ટ પહેલા જ કાળ તેમને આંબી ગયો હતો.
મંત્રી બેબી રાની મૌર્યએ પોતે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે અને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મોડી સાંજે આગ્રાના તાજગંજ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં અનેક રાજકીય નેતાઓ અને સ્નેહીજનો જોડાયા હતા. આ ઘટનાએ ફરી એકવાર હાર્ટ એટેકના વધતા કેસો અને હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક મંત્રીના ભાઈ સાથે બનેલી આ ઘટના હોસ્પિટલ મેનેજમેન્ટની સજ્જતા પર પણ ચર્ચા જગાવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
