News of Sunday, 21st December 2025
બલુચિસ્તાન બન્યું પાકિસ્તાની સેનાનું 'કબ્રસ્તાન': BLAના બે ભીષણ હુમલામાં 13 સૈનિકોના મોતથી હાહાકાર
પાંજગુર અને ઝેહરીમાં બલોચ લડાકુઓએ પાકિસ્તાની સૈન્યના કાફલાને નિશાન બનાવી મચાવ્યું મોતનું તાંડવ; સીમાવર્તી વિસ્તારોમાં સ્થિતિ બેકાબૂ બનતા ઇસ્લામાબાદ સુધી ફફડાટ, સૈન્ય ચોકીઓ પર હથિયારો સાથે ત્રાટક્યા બળવાખોરો

ક્વેટા (બલુચિસ્તાન):પાકિસ્તાનનો બલુચિસ્તાન પ્રાંત અત્યારે સળગી રહ્યો છે અને પાકિસ્તાની સેના માટે આ વિસ્તાર 'ડેથ ઝોન' સાબિત થઈ રહ્યો છે. પ્રતિબંધિત સંગઠન બલુચ લિબરેશન આર્મી (BLA) એ ફરી એકવાર પોતાની તાકાત બતાવતા બે અલગ-અલગ ઘાતક હુમલાઓ કર્યા છે, જેમાં પાકિસ્તાની સેનાના ૧૩ જવાનોના કરુણ મોત નીપજ્યા છે. આ હુમલાઓ એટલા વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યા હતા કે સેનાને સંભાળવાની તક પણ મળી ન હતી. આ લોહિયાળ ઘટના બાદ બલુચિસ્તાનમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને પાકિસ્તાની સરકાર માટે પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની ગઈ છે.
હુમલાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બલોચ લડાકુઓએ વ્યૂહાત્મક રીતે પાંજગુર અને ઝેહરી વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. પાંજગુરમાં થયેલા પ્રથમ હુમલામાં સેનાના કાફલા પર ભારે હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક જવાનો ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા. ત્યારબાદ ઝેહરી વિસ્તારમાં પણ સૈન્ય ચોકીને નિશાન બનાવીને બીજો પ્રહાર કરવામાં આવ્યો હતો. BLA એ આ હુમલાની જવાબદારી લેતા દાવો કર્યો છે કે તેઓ બલુચિસ્તાનની આઝાદી અને કુદરતી સંસાધનો પરના કબજા વિરુદ્ધ પોતાનું સશસ્ત્ર યુદ્ધ ચાલુ રાખશે.
પાકિસ્તાની સેના માટે આ મોટો ઝટકો માનવામાં આવે છે કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી બલુચિસ્તાનમાં સૈન્ય પર થતા હુમલાઓમાં ધરખમ વધારો થયો છે. પાકિસ્તાન સરકાર આ આંદોલનને કચડી નાખવા માટે સતત ઓપરેશન્સ ચલાવી રહી છે, પરંતુ તેની સામે બલોચ લડાકુઓ વધુ આક્રમક બની રહ્યા છે. આ પ્રાંતમાં ચીનના સહયોગથી ચાલી રહેલા CPEC પ્રોજેક્ટ્સને કારણે પણ અસંતોષ વધ્યો છે, જેનો સીધો ફાયદો આતંકવાદી સંગઠનો ઉઠાવી રહ્યા છે. સેનાના ૧૩ જવાનોના મોત બાદ ઈસ્લામાબાદમાં તાકીદની બેઠકોનો દોર શરૂ થયો છે.
હાલમાં પાંજગુર અને આસપાસના વિસ્તારોને પાકિસ્તાની વાયુસેના અને સ્પેશિયલ ફોર્સ દ્વારા ઘેરી લેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે અને ઇન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. રક્ષણ માટે મોકલેલી કુમક પર પણ હુમલાનો ડર હોવાથી સેના સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે. આ હુમલાએ પાકિસ્તાની એજન્સીઓના ઇન્ટેલિજન્સ ફેલ્યોરને ફરી એકવાર ખુલ્લું પાડ્યું છે. બલુચિસ્તાનની ધરતી પર વહેતું લોહી પાકિસ્તાનની આંતરિક સુરક્ષાના ધજાગરા ઉડાવી રહ્યું છે.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
