News of Sunday, 21st December 2025
નેટવર્થ રેકોર્ડ: ઇલોન મસ્કે ઈતિહાસ રચ્યો: ૭૦૦ અબજ ડોલરની નેટવર્થ ધરાવતા દુનિયાના પ્રથમ વ્યક્તિ બન્યા
ઇલોન મસ્કની સંપત્તિ ૭૪૯ અબજ ડોલરને પાર, ફોર્બ્સ ઈન્ડેક્સમાં નવો રેકોર્ડ : ડેલાવેર સુપ્રીમ કોર્ટ દ્વારા ટેસ્લાના ૫૬ અબજ ડોલરના પે-પેકેજને મંજૂરી મળતા જેકપોટ લાગ્યો : દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ કરતા મસ્ક લગભગ ૫૦૦ અબજ ડોલર આગળ.

ન્યૂયોર્ક: ટેકનોલોજીની દુનિયાના બેતાજ બાદશાહ અને ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કે આર્થિક જગતમાં એક એવો ઈતિહાસ રચ્યો છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તાજેતરના અહેવાલો અને ફોર્બ્સ બિલિયોનેર્સ ઈન્ડેક્સના આંકડા મુજબ, ઇલોન મસ્ક ૭૦૦ અબજ ડોલરની નેટવર્થનો આંકડો પાર કરનારા વિશ્વના સૌપ્રથમ વ્યક્તિ બની ગયા છે. શુક્રવારે મોડી રાત્રે તેમની કુલ સંપત્તિ ૭૪૯ અબજ ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ હતી.
મસ્ક પર થયેલા આ 'પૈસાના વરસાદ' પાછળનું મુખ્ય કારણ અમેરિકાની ડેલાવેર સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે. કોર્ટે મસ્કના ૨૦૧૮ના વિવાદિત સેલરી પેકેજ (પે પેકેજ) ને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ નીચલી કોર્ટે આ ૫૬ અબજ ડોલરના પેકેજને રદ કર્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને "અન્યાયપૂર્ણ" ગણાવી મસ્કની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ સમાચાર આવતાની સાથે જ ટેસ્લાના શેરોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો અને મસ્કની સંપત્તિ રોકેટ ગતિએ વધી હતી.
મસ્કની એરોસ્પેસ કંપની સ્પેસ એક્સ ના આઇપીઓ આવવાની ચર્ચાઓએ પણ તેમની સંપત્તિમાં વધારો કરવામાં ભાગ ભજવ્યો છે.
ડિજિટલ મીડિયા અને પ્લેટફોર્મ એક્સ પર પણ મસ્કની આ સિદ્ધિ ચર્ચાના કેન્દ્રમાં છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અમીરોની યાદીમાં મસ્કનું કોઈ નજીકનું હરીફ પણ નથી.
હાલમાં વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ છે, પરંતુ મસ્ક તેમની સંપત્તિ કરતા લગભગ ૫૦૦ અબજ ડોલર આગળ નીકળી ગયા છે.
આ તફાવત એટલો મોટો છે કે આર્થિક નિષ્ણાતોના મતે મસ્ક હવે "પોતાની અલગ જ લીગ"માં છે. ૨૦૨૫ નું વર્ષ ઇલોન મસ્ક માટે આર્થિક રીતે સુવર્ણ વર્ષ સાબિત થયું છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
