હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

દુબઈ : સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી એક અદભૂત વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુબઈના આકાશમાં ૫૮૦ મીટર ઊંચા અને ૧૨૫ માળના એક ટાવરની ટોચ પર એમિરેટ્સ એરલાઇન્સનું વિશાળકાય 'Airbus A380' વિમાન ગોઠવાયેલું જોવા મળે છે. 'દુબઈ એર હોટલ' તરીકે ઓળખાતા આ પ્રોજેક્ટને વિશ્વની સૌથી અનોખી અને મોંઘી હોટલ ગણાવીને ૩૬ મિલિયનથી વધુ લોકોએ જોયો છે, પરંતુ તપાસમાં આ પ્રોજેક્ટ માત્ર એક ડિજિટલ ભ્રમ હોવાનું સાબિત થયું છે.
એમિરેટ્સ એરલાઇન્સની સ્પષ્ટતા
આ વિડિયો અંગે ઉઠેલા વિવાદ અને આશ્ચર્ય વચ્ચે એમિરેટ્સ એરલાઇન્સે સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે, "સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો 'એમિરેટ્સ એર હોટલ'નો વિડિયો સંપૂર્ણપણે બનાવટી અને અસત્ય છે. એરલાઇન્સ પાસે આવી કોઈ વાસ્તવિક યોજના નથી."
AI દ્વારા કેવી રીતે છેતરાઈ દુનિયા?
ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, આ વિડિયો સૌપ્રથમ ૨૧ ઓગસ્ટના રોજ 'cypriot.ai' નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિડિયો સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સોફિસ્ટિકેટેડ કોમ્પ્યુટર ઈમેજરી (CGI) નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. વિડિયોની ક્વોલિટી એટલી આધુનિક છે કે લોકો તેને સાચો માની બેઠા. તેવામાં તાજેતરમાં જ્યારે વિમાન પર 'Dubai Air Hotel' નામ લખીને ફરી પોસ્ટ કરવામાં આવ્યો ત્યારે અનેક ઓનલાઈન ન્યૂઝ પોર્ટલે તેને વાસ્તવિક પ્રોજેક્ટ માનીને સમાચાર પણ પ્રકાશિત કરી દીધા હતા.
લોકોએ શા માટે વિશ્વાસ કર્યો?
દુબઈ તેની અશક્ય લાગતી સ્થાપત્ય કલા અને રેકોર્ડબ્રેક પ્રોજેક્ટ્સ માટે વિશ્વભરમાં જાણીતું છે. બુર્જ ખલીફા, પામ આઈલેન્ડ અને રણમાં ઇન્ડોર સ્કી સ્લોપ જેવા પ્રોજેક્ટ્સને કારણે દુનિયાને એવું લાગ્યું કે દુબઈમાં કંઈ પણ શક્ય છે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટની કિંમત ૩ અબજ ડોલર હોવાના અને તે વર્તમાન સૌથી ઊંચી હોટલ 'સિએલ દુબઈ મરીના' (૩૭૭ મીટર) નો રેકોર્ડ તોડશે તેવા અહેવાલોએ લોકોમાં વિશ્વાસ જગાવ્યો હતો.
કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેની પાતળી રેખા
આ વિડિયો બનાવનાર ક્રિએટરે અગાઉ પણ બુર્જ ખલીફા પાસે વિશ્વનું સૌથી મોટું આઈસ સ્કેટિંગ રિંક, દુબઈ ફ્રેમ પર સ્કી પેરેડાઈઝ અને ટાઈટેનિક શિપ હોટલ જેવા અનેક AI વિડિયો વાયરલ કર્યા છે. આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે આજના ડિજિટલ યુગમાં AI ટેકનોલોજી કઈ હદે વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની રેખા ભૂંસી રહી છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM