News of Sunday, 21st December 2025
સોનિયા ગાંધીને કેન્દ્રીય મંત્રીનો ધારદાર પત્ર: "તમારા મુખ્યમંત્રી વિઝન ડોક્યુમેન્ટ આપે છે, પણ જૂના વચનોનું શું?"
જી. કિશન રેડ્ડીએ તેલંગાણા સરકારના બે વર્ષના રિપોર્ટ કાર્ડ પર ઉઠાવ્યા ગંભીર સવાલો; 'તેલંગાણા રાઇઝિંગ 2047'ના બહાને કોંગ્રેસની છ ગેરંટીઓ અધૂરી હોવાનો આરોપ લગાવી સોનિયા ગાંધીને આયનો બતાવ્યો

નવી દિલ્હી : તેલંગાણાનું રાજકારણ હવે હૈદરાબાદના ગલીઓમાંથી નીકળીને દિલ્હીના સત્તાના કોરિડોર સુધી ગરમાયું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને એક ખુલ્લો પત્ર લખીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ પત્ર તેવા સમયે લખવામાં આવ્યો છે જ્યારે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તાજેતરમાં દિલ્હીમાં સોનિયા ગાંધીની મુલાકાત લીધી હતી અને તેમને રાજ્યના વિકાસ માટેનું 'તેલંગાણા રાઇઝિંગ 2047' વિઝન ડોક્યુમેન્ટ સોંપ્યું હતું. કિશન રેડ્ડીએ આ મુલાકાતને નિશાને લેતા પૂછ્યું છે કે શું સોનિયા ગાંધીએ આ ભવ્ય વિઝન જોતી વખતે જૂના વચનોની સમીક્ષા કરી હતી ખરી?
તેલુગુ ભાષામાં લખાયેલા આ પત્રમાં કેન્દ્રીય મંત્રીએ સીધો પ્રહાર કરતા પૂછ્યું છે કે તેલંગાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે જનતાને આપેલી 'છ ગેરંટી'નું શું થયું? તેમણે પત્રમાં લખ્યું કે, સરકાર બન્યાને બે વર્ષ વીતી ગયા હોવા છતાં ગરીબો અને ખેડૂતો હજુ પણ તે છ વચનો પૂરા થવાની રાહ જોઈ રહ્યા છે. રેડ્ડીએ કટાક્ષ કર્યો કે મુખ્યમંત્રી જ્યારે તમને મળીને 2047ના સપના બતાવી રહ્યા હતા અને તમે તેમની પ્રશંસા કરી રહ્યા હતા, ત્યારે શું તમને એ યાદ ન આવ્યું કે રાજ્યની જનતા આજે પણ અધૂરા વચનોના બોજ હેઠળ દબાયેલી છે?
કિશન રેડ્ડીએ પત્રમાં આગળ લખ્યું છે કે મીડિયા અહેવાલો મુજબ સોનિયા ગાંધીએ રેવંત રેડ્ડીના વિઝન ડોક્યુમેન્ટની પ્રશંસા કરી અને રાજ્યના ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી, પરંતુ હકીકત એ છે કે જમીની સ્તરે પરિસ્થિતિ અલગ છે. ભાજપ નેતાએ સવાલ ઉઠાવ્યો કે શું આ વિઝન ડોક્યુમેન્ટ માત્ર જનતાનું ધ્યાન ભટકાવવા માટેનું એક સાધન છે? તેમણે સોનિયા ગાંધીને વિનંતી કરી કે તેઓ હાઈકમાન્ડ તરીકે મુખ્યમંત્રીને પૂછે કે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો ક્યારે અમલમાં આવશે, કારણ કે બે વર્ષનો સમયગાળો કોઈ પણ ગેરંટી પૂરી કરવા માટે પૂરતો હોય છે.
આ પત્રયુદ્ધે તેલંગાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના સંઘર્ષને વધુ તેજ બનાવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે વિકાસના દસ્તાવેજો રજૂ કરવાથી વાસ્તવિક જવાબદારી પૂરી થતી નથી. એક તરફ કોંગ્રેસ સરકાર 2047ના વિઝન સાથે પોતાની પીઠ થાબડી રહી છે, તો બીજી તરફ ભાજપે 'અધૂરા વચનો'નો મુદ્દો ઉઠાવીને જનતાની અદાલતમાં કોંગ્રેસને ઘેરવાની રણનીતિ અપનાવી છે. હવે જોવાનું એ રહેશે કે સોનિયા ગાંધી કે તેલંગાણા કોંગ્રેસ આ તીખા સવાલોનો શું જવાબ આપે છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
