<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

બ્લુ ક્રિસમસ 2025: સાવધાન! આ દેશોમાં નાતાલની ઉજવણી કરી તો જેલની હવા ખાવી પડશે

ઉત્તર કોરિયાથી લઈને બ્રુનેઈ સુધી ક્રિસમસ સેલિબ્રેશન પર લોખંડી પ્રતિબંધ; ક્યાંક 5 વર્ષની જેલ તો ક્યાંક ભારે દંડ, જાણો દુનિયાના એવા ખૂણાઓ વિશે જ્યાં સાન્તાક્લોઝ અને ક્રિસમસ ટ્રી પર છે કાયદેસરની રોક

લંડન : આજે જ્યારે સમગ્ર વિશ્વ 'બ્લુ ક્રિસમસ'ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આ તહેવાર માત્ર રોશની અને ભેટ-સોગાદો પૂરતો મર્યાદિત નથી. ૨૧ ડિસેમ્બરની આસપાસ મનાવવામાં આવતો 'બ્લુ ક્રિસમસ' એવા લોકો માટે છે જેઓ જીવનમાં દુઃખ, વિરહ કે એકલતાનો સામનો કરી રહ્યા છે. વર્ષની સૌથી લાંબી રાત્રે (Winter Solstice) મનાવવામાં આવતો આ દિવસ અંધકારમાં આશાનું કિરણ શોધવાનો સંદેશ આપે છે. પરંતુ, વિશ્વના નકશા પર કેટલાક એવા દેશો પણ છે જ્યાં નાતાલની ઉજવણી કરવી એ કોઈ આશા નહીં પણ મોટી મુસીબત નોતરી શકે છે. અહીં નાતાલ મનાવવો એ આસ્થાનો વિષય નહીં પણ જેલના સળિયા ગણાવનારો ગુનો છે.

બ્રુનેઈ જેવા ઈસ્લામિક દેશમાં નાતાલની જાહેર ઉજવણી પર પાંચ વર્ષની જેલની જોગવાઈ છે. અહીં ક્રિસમસ ટ્રી લગાવવા, સાન્તાક્લોઝ જેવા કપડાં પહેરવા કે રસ્તા પર નાતાલના ગીતો ગાવા પર કડક પ્રતિબંધ છે. શાસકોનું માનવું છે કે આવી ઉજવણી મુસ્લિમ સમુદાયની આસ્થાને નુકસાન પહોંચાડી શકે છે. તેવી જ રીતે, ઉત્તર કોરિયામાં તો ધર્મ અને તેની ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ વ્યક્તિ બાઇબલ સાથે અથવા નાતાલની પ્રાર્થના કરતા ઝડપાય, તો તેને આજીવન કેદ અથવા બળજબરીથી મજૂરી કરવાની સજા ફટકારવામાં આવે છે. ત્યાં કિમ જોંગ ઉનની સત્તા સિવાય અન્ય કોઈ શક્તિની પૂજા કરવી એ દેશદ્રોહ સમાન ગણાય છે.

આફ્રિકન દેશ સોમાલિયા અને મધ્ય એશિયાના કઝાકિસ્તાનમાં પણ નાતાલની ઉજવણી સામે લાલ આંખ કરવામાં આવી છે. સોમાલિયાએ સુરક્ષાના કારણોસર જાહેર ઉજવણી પર રોક લગાવી છે, જ્યારે કઝાકિસ્તાનમાં અધિકારીઓનું માનવું છે કે નાતાલની પરંપરાઓ તેમની રાષ્ટ્રીય સંસ્કૃતિ સાથે મેળ ખાતી નથી. સાઉદી અરેબિયામાં જોકે તાજેતરમાં કેટલાક સુધારા થયા છે, પરંતુ હજુ પણ જાહેર રસ્તાઓ પર નાતાલની સજાવટ કરવી એ કાયદેસર રીતે અસ્વીકાર્ય છે. ભૂટાન અને લિબિયા જેવા દેશોમાં પણ જાહેર રજાનો અભાવ છે અને ત્યાં જાહેરમાં ઉત્સવ મનાવવો એ વહીવટી કાર્યવાહીને આમંત્રણ આપવા જેવું છે.

આમ, ૨૦૨૫ના આ બ્લુ ક્રિસમસ પર એક તરફ લોકો પોતાની લાગણીઓને વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ કરોડો ખ્રિસ્તી સમુદાયના લોકો છુપાઈને અથવા ડરના સાયે પોતાનો પવિત્ર તહેવાર ઉજવવા મજબૂર છે. આ દેશોમાં નાતાલના વૃક્ષોની રોશની નહીં પણ કાયદાનો ડર વધારે જોવા મળે છે. ટેકનોલોજીના જમાનામાં જ્યારે દુનિયા એક ગ્લોબલ વિલેજ બની રહી છે, ત્યારે ધાર્મિક સ્વતંત્રતા પરના આવા કડક પ્રતિબંધો માનવાધિકારવાદીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. નાતાલની આ 'સૌથી લાંબી રાત' આવા દેશો માટે ક્યારે આઝાદીનો સવાર લાવશે તે તો સમય જ કહેશે.

(3:31 PM IST)