<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

માઉન્ટ આબુના જોખમી વળાંક પર મોતની મુસાફરી: સાણંદના પ્રવાસીઓની બસ પલટી, ૨૦ મુસાફરો લોહીલુહાણ

વેકેશનની મજા સજામાં ફેરવાઈ; વિરબાબા મંદિર નજીક બસ ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, સ્થાનિકોએ કાચ તોડી મુસાફરોને બહાર કાઢ્યા, ટ્રાફિકના દ્રશ્યો વચ્ચે હાઈવે પર મચી ચીસિયારીઓ

માઉન્ટ આબુ: રાજસ્થાનના વિખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુના ઘાટ માર્ગ પર રવિવારે ફરી એકવાર પ્રવાસીઓની મજા માતમમાં ફેરવાતા રહી ગઈ. ગુજરાતના સાણંદથી મિત્રો અને પરિવાર સાથે સહેલગાહે નીકળેલા ૨૦ જેટલા મુસાફરોની ખાનગી બસને વિરબાબા મંદિર નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પહાડી રસ્તા પરથી નીચે ઉતરી રહેલી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ધડાકાભેર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી મારતા જ અંદર સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને હાઈવે પર લોહીના દ્રશ્યો સર્જાયા હતા.
ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. બસ ઊંડી ખીણમાં ખાબકતા બચી ગઈ હતી, જે એક મોટો ચમત્કાર માનવામાં આવે છે. સ્થાનિકોએ બસના કાચ તોડીને અંદર ફસાયેલા સાણંદના પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં ૨૦ જેટલા ગુજરાતી મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક ધોરણે નજીકના ટ્રોમા સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેણે મોટી રાહત આપી છે.
સાંકડા પહાડી રસ્તા પર બસ આડી પલટી મારી જવાથી માઉન્ટ આબુ હાઈવે પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પ્રવાસન સીઝન હોવાથી રસ્તા પર ભારે ભીડ હતી, જેના કારણે એમ્બ્યુલન્સ અને પોલીસને પહોંચવામાં પણ મુશ્કેલી પડી હતી. માઉન્ટ આબુ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી ક્રેનની મદદથી બસને હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને કલાકોની જહેમત બાદ વાહનવ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. અકસ્માતને પગલે પ્રવાસીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
પ્રાથમિક તપાસ મુજબ, ઘાટ માર્ગ પર ઉતરતી વખતે બ્રેક ફેઈલ થવાને કારણે અથવા વધુ પડતી ઝડપને લીધે ડ્રાઈવર સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી બેઠો હોવાની આશંકા છે. સાણંદના આ મુસાફરો માઉન્ટ આબુમાં સહેલગાહ માણીને હર્ષભેર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જ માર્ગમાં આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. હાલમાં તમામ ઈજાગ્રસ્તો જોખમથી બહાર હોવાનું તબીબોએ જણાવ્યું છે. પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે કે અકસ્માત પાછળ વાહનની યાંત્રિક ખામી જવાબદાર હતી કે ડ્રાઈવરની બેદરકારી.

 

(3:54 PM IST)