News of Sunday, 21st December 2025
હરિયાણામાં ભૂકંપના આંચકાથી ફફડાટ : રોહતક કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું : દિલ્હી-NCR સુધી ધ્રુજારી અનુભવાઈ
રવિવારે બપોરે ૧૨:૧૩ કલાકે ૩.૩ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રૂજી : જમીનથી ૫ કિમીની ઊંડાઈએ નોંધાયું કેન્દ્રબિંદુ : સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં : આસામમાં પણ ગતરોજ ૩.૮ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો

નવી દિલ્હી : ભારત સહિત વિશ્વના અનેક ભાગોમાં ભૂકંપની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. મ્યાનમાર, તુર્કી અને અફઘાનિસ્તાનમાં તાજેતરમાં આવેલા વિનાશક ભૂકંપના ડર વચ્ચે આજે રવિવારે ઉત્તર ભારતના હરિયાણા રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના કારણે હરિયાણાના કેટલાક વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપની તીવ્રતા અને કેન્દ્રબિંદુ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, રવિવારે બપોરે ૧૨ વાગ્યાને ૧૩ મિનિટે હરિયાણામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૩.૩ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રોહતક હતું અને તે જમીનથી માત્ર ૫ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઓછી તીવ્રતા હોવાને કારણે હાલમાં કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
આસામમાં પણ ધરા ધ્રૂજી
ઉલ્લેખનીય છે કે, હરિયાણા પહેલા શનિવારે ૨૦ ડિસેમ્બરના રોજ ઉત્તર-પૂર્વી રાજ્ય આસામમાં પણ ભૂકંપની ઘટના બની હતી. આસામના દરાંગ જિલ્લામાં ૩.૮ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ પણ જમીનથી ૫ કિલોમીટરની ઊંડાઈએ હતું.
શા માટે આવે છે ભૂકંપ?
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પૃથ્વીની નીચે કુલ ૭ ટેક્ટોનિક પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો ફોલ્ટ લાઇન પર એકબીજા સાથે ટકરાય છે, ત્યારે ઘર્ષણ ઉત્પન્ન થાય છે અને ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધે છે, જેના પરિણામે પૃથ્વીની સપાટી પર ધ્રુજારી અને ભૂકંપનો અનુભવ થાય છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
