<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

મેવાડ રાજપરિવારમાં મિલકતનો જંગ: પિતાની વસિયત સામે પુત્રીઓએ શિંગડા ભેરવ્યા, સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય

મહારાણા પ્રતાપના વંશજો વચ્ચે કરોડોની સંપત્તિ માટે કાનૂની મહાભારત; પુત્ર લક્ષ્યરાજ સિંહને એકમાત્ર વારસદાર બનાવવાના નિર્ણયને રાજકુમારી પદ્મજા અને ભાર્ગવીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, દિલ્હી હાઈકોર્ટમાં ૧૧ જાન્યુઆરીએ થશે નિર્ણાયક સુનાવણી

નવી દિલ્હી/ઉદયપુર : ભારતના સૌથી ગૌરવશાળી રાજવી પરિવારોમાંના એક એવા મેવાડ રાજપરિવારમાં મિલકતનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ રાજવી અરવિંદ સિંહ મેવાડના નિધન બાદ તેમની કરોડોની સંપત્તિના વારસાને લઈને ઘરઆંગણે જ જંગ છેડાયો છે. અરવિંદ સિંહે તેમની વસિયતમાં તમામ મિલકતોનો એકમાત્ર વારસદાર પુત્ર ડો. લક્ષ્યરાજ સિંહ મેવાડને બનાવતા વિવાદની શરૂઆત થઈ હતી. પિતાના આ નિર્ણય સામે તેમની બંને પુત્રીઓ, પદ્મજા કુમારી અને ભાર્ગવી કુમારીએ અદાલતનો આશરો લીધો છે. મામલો એટલો પેચીદો બન્યો કે સુપ્રીમ કોર્ટે મુંબઈ અને જોધપુરમાં ચાલતા તમામ કેસોને એકત્રિત કરી દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધા છે.

રાજકુમારી પદ્મજા કુમારી પરમાર આ કાનૂની લડાઈના કેન્દ્રસ્થાને છે. તેઓ માત્ર રાજવી વંશજ જ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણ અને બિઝનેસ ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. બોસ્ટનમાં સ્થાયી થયેલા પદ્મજા કુમારી હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને પ્રિન્સટન યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના એડવાઇઝરી બોર્ડમાં સામેલ છે. લંડનની પ્રખ્યાત બુલ્ગારી હોટેલના બોર્ડ મેમ્બર હોવાની સાથે તેઓ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર છે. પિતાની જેમ રમતગમત પ્રત્યે રુચિ ધરાવતી પદ્મજા કુમારીએ હવે પરંપરાગત વારસાની સાથે કાયદાકીય હકની લડાઈ શરૂ કરી છે.

વિવાદનું મુખ્ય કારણ અરવિંદ સિંહ મેવાડની સ્વ-અર્જિત સંપત્તિ છે, જેમાં મુંબઈનું આલીશાન 'મેવાડ હાઉસ' અને ઉદયપુરની કિંમતી જમીનોનો સમાવેશ થાય છે. બંને પુત્રીઓએ મુંબઈના પેડર રોડ પર આવેલા મેવાડ હાઉસમાં અડધો હિસ્સો, 'ડાયજિલિયા હાઉસ' અને ઉદયપુરના 'શિકારબાડી' વિસ્તારની જમીનોમાં પોતાનો હક માંગ્યો છે. અરવિંદ સિંહ જેઓ પ્રખ્યાત 'HRH ગ્રુપ ઓફ હોટેલ્સ'ના માલિક હતા, તેમની સંપત્તિનું મૂલ્ય અબજોમાં હોવાનું મનાય છે. પુત્રીઓની દલીલ છે કે હિંદુ ઉત્તરાધિકાર ધારા મુજબ તેઓ પણ પિતાની મિલકતમાં સમાન હિસ્સાની હકદાર છે.

આ હાઈ-પ્રોફાઈલ કેસની સુનાવણી હવે ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં હાથ ધરાશે. મેવાડના ઈતિહાસમાં આ કદાચ પ્રથમ વખત છે જ્યારે મહારાણા પ્રતાપના વંશજો મિલકત માટે આ રીતે ન્યાયિક લડાઈ લડી રહ્યા છે. એક તરફ પરંપરાગત રજવાડી માળખું પુત્રને પ્રાધાન્ય આપે છે, તો બીજી તરફ આધુનિક કાયદો પુત્રીઓને સમાન અધિકાર આપે છે. આ કેસના પરિણામો માત્ર મેવાડ પરિવાર માટે જ નહીં, પરંતુ દેશના અન્ય રાજવી પરિવારોના મિલકત વિવાદો માટે પણ એક નવો દાખલો બેસાડી શકે છે.

(4:31 PM IST)