News of Sunday, 21st December 2025
વૈષ્ણો દેવી યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર: હવે સમય મર્યાદામાં પૂર્ણ કરવી પડશે યાત્રા : શ્રાઈન બોર્ડનો કડક નિર્ણય
નવા વર્ષની ભીડને જોતા શ્રાઈન બોર્ડે યાત્રાળુઓ માટે 'ટાઈમ લિમિટ' નક્કી કરી : હવે RFID કાર્ડ લીધાના ૧૦ કલાકમાં ચઢાણ શરૂ કરવું પડશે અને ૨૪ કલાકમાં કટરા પરત ફરવું ફરજિયાત બન્યું : નિયમનું ઉલ્લંઘન કરનાર સામે થઈ શકે છે કાર્યવાહી

કટરા : શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે આગામી નવા વર્ષની સીઝનમાં ભક્તોની સુરક્ષા અને ભીડના વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને યાત્રાના નિયમોમાં આમૂલ પરિવર્તન કર્યું છે. અત્યાર સુધી ભક્તો પાસે યાત્રા શરૂ કરવા માટે ૧૨ કલાકનો સમય હતો, પરંતુ હવે નવા આદેશ મુજબ RFID કાર્ડ મેળવ્યાના માત્ર ૧૦ કલાકની અંદર જ બાણગંગા ચેકપોસ્ટથી ચઢાણ શરૂ કરી દેવું પડશે. સૌથી મોટો ફેરફાર યાત્રા પૂર્ણ કરવાની સમય મર્યાદામાં કરવામાં આવ્યો છે; હવે દરેક શ્રદ્ધાળુએ દર્શન કરીને ૨૪ કલાકની અંદર નીચે બેઝ કેમ્પ કટરા ખાતે પરત ફરવું પડશે. આ નિયમનો મુખ્ય હેતુ ભવન પરિસરમાં બિનજરૂરી ભીડને રોકવાનો અને યાત્રાળુઓના પ્રવાહને સતત ગતિશીલ રાખવાનો છે.
આ નવા નિયમો તાત્કાલિક અસરથી અમલમાં મૂકી દેવામાં આવ્યા છે, જે પગપાળા યાત્રીઓ ઉપરાંત હેલિકોપ્ટર અને બેટરી કાર દ્વારા જતા ભક્તોને પણ સમાન રીતે લાગુ પડશે. અગાઉ યાત્રા પૂર્ણ કરવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી નહોતી, જેના કારણે ઘણા ભક્તો ભવન અથવા અધકુવારી ખાતે લાંબો સમય રોકાઈ જતા હતા, જેનાથી વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બનતી હતી. ખાસ કરીને પીક સીઝન દરમિયાન કોઈ નાસભાગ જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે શ્રાઈન બોર્ડે આ ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ એટલે કે RFID કાર્ડ દ્વારા દરેક ભક્તના સમય પર નજર રાખવાનું નક્કી કર્યું છે. જો કોઈ ભક્ત નિર્ધારિત સમય કરતાં વધુ રોકાશે, તો તેને ડિજિટલ સિસ્ટમ દ્વારા ટ્રેક કરી શકાશે.
ભક્તોની સુવિધા માટે શ્રાઈન બોર્ડે કટરા રેલ્વે સ્ટેશન અને તારાકોટ રૂટ પર ૨૪ કલાક રજીસ્ટ્રેશન કેન્દ્રો કાર્યરત રાખ્યા છે. તમામ માર્ગો અને ભવન સંકુલમાં ડિજિટલ બોર્ડ દ્વારા આ નવા ફેરફારોની જાણકારી સતત આપવામાં આવી રહી છે. શ્રાઈન બોર્ડના આ નિર્ણયથી સામાન્ય દિવસોમાં ભલે થોડી ઉતાવળ જેવો અનુભવ થાય, પરંતુ ભીડના સમયમાં આ વ્યવસ્થા હજારો શ્રદ્ધાળુઓ માટે સુગમ અને સુરક્ષિત દર્શનની ખાતરી આપશે. ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની યાત્રાનું આયોજન આ નવી સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને જ કરે જેથી અંતિમ સમયે કોઈ મુશ્કેલી ન પડે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
