<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

ચીને એલોન મસ્કને પાછળ છોડ્યા: ‘બ્રેઈન ચિપ’ દ્વારા રોબોટ અને કમ્પ્યુટર પર હવે મનનું રાજ : લકવાગ્રસ્ત દર્દીને મળી નોકરી

ચીની વૈજ્ઞાનિકોએ બનાવેલી ‘WRS01’ ટેકનોલોજીએ ઈતિહાસ રચ્યો : મગજમાં ચિપ ફીટ કરી વિચાર માત્રથી રોબોટિક કૂતરા અને સ્માર્ટ વ્હીલચેરને કંટ્રોલ કરવામાં મળી અકલ્પનીય સફળતા : માત્ર ૧૦૦ મિલિસેકન્ડમાં સિગ્નલ ટ્રાન્સમિટ કરી માનવ મગજને સુપર કમ્પ્યુટર જેવી તાકાત આપી

બેઇજિંગ : ટેકનોલોજીની રેસમાં ચીને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક અને તેમની કંપની 'ન્યુરાલિંક'ને પણ ચોંકાવી દીધા છે. ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સના વૈજ્ઞાનિકોએ એક એવું 'વાયરલેસ બ્રેઈન-કમ્પ્યુટર ઇન્ટરફેસ' (BCI) તૈયાર કર્યું છે, જે માત્ર પ્રયોગશાળા સુધી સીમિત નથી પરંતુ વાસ્તવિક દુનિયામાં લોકોના જીવન બદલી રહ્યું છે. આ ટેકનોલોજીની મદદથી ગંભીર રીતે લકવાગ્રસ્ત વ્યક્તિ પણ હવે કોઈ પણ શારીરિક હિલચાલ વગર, માત્ર પોતાના વિચારોથી કમ્પ્યુટર અને અત્યાધુનિક રોબોટને આદેશ આપી શકે છે. આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે ભવિષ્યમાં મનુષ્ય અને મશીન વચ્ચેના અંતરને મન દ્વારા મિટાવી શકાશે.

આ ટેકનોલોજીનો સૌથી ચમત્કારિક કિસ્સો શ્રી ઝાંગ નામની વ્યક્તિનો છે, જે ૨૦૨૨માં કરોડરજ્જુની ઈજાને કારણે ગરદન નીચેના ભાગે સંપૂર્ણ લકવાગ્રસ્ત થઈ ગયા હતા. જૂન ૨૦૨૫ માં ઝાંગના મગજમાં 'WRS01' નામની નાની ચિપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે માત્ર બે-ત્રણ અઠવાડિયાની તાલીમમાં ઝાંગ પોતાના મગજથી કમ્પ્યુટર કર્સર ચલાવવા લાગ્યા. આજે તેઓ આ ટેકનોલોજીના સહારે વેન્ડિંગ મશીન ઓપરેટર તરીકે નોકરી પણ કરી રહ્યા છે. વિશ્વમાં આ પ્રથમ ઘટના છે જ્યાં બ્રેઈન ઇમ્પ્લાન્ટ ધરાવતી લકવાગ્રસ્ત વ્યક્તિ સન્માનજનક રીતે રોજગારી મેળવી રહી છે. ઝાંગ હવે તેમની સ્માર્ટ વ્હીલચેર અને એક રોબોટિક કૂતરાને પણ માત્ર વિચાર માત્રથી કંટ્રોલ કરે છે.

ચીનનું આ ઈનોવેશન ન્યુરાલિંક કરતા પણ વધુ ઝડપી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમ મગજમાંથી નીકળતા સિગ્નલોને માત્ર ૧૦૦ મિલિસેકન્ડમાં ડીકોડ કરે છે, જે માનવ શરીરના કુદરતી સિગ્નલ ટ્રાન્સમિશન કરતા પણ વધુ ગતિશીલ છે. હાલમાં ચીની વૈજ્ઞાનિકો આનાથી પણ શક્તિશાળી ૨૫૬-ચેનલવાળી 'WRS02' સિસ્ટમ પર કામ કરી રહ્યા છે, જે માનવ વિચારોને સીધા વાણી એટલે કે શબ્દોમાં ફેરવવામાં પણ સક્ષમ હશે. જો આ પ્રયોગો સફળ રહેશે, તો બોલવાની કે ચાલવાની શક્તિ ગુમાવી બેઠેલા લાખો લોકો માટે આ ટેકનોલોજી વરદાન સાબિત થશે.

(7:27 PM IST)