<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

ટ્રમ્પની ‘શાંતિની વાતો’ નિષ્ફળ: કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે ભીષણ યુદ્ધમાં ૫ લાખથી વધુ લોકો બેઘર : ફાઈટર જેટ્સથી ત્રાટક્યા બોમ્બ

ડોનાલ્ડ ટ્રમ્પે જે યુદ્ધવિરામનો શ્રેય લીધો હતો તે કાગળ પર જ રહી ગયો : ૧૫ દિવસથી ચાલતા સીમા વિવાદમાં માસૂમ બાળકો સહિત અનેક નાગરિકોના મોત: કંબોડિયાના મહત્વના પુલ પર થાઈલેન્ડના F-16 વિમાનોનો ઘાતક હુમલો થતા સ્થિતિ બેકાબૂ બની

 કંબોડિયા :  દક્ષિણ-પૂર્વ એશિયાના બે પડોશી દેશો કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચેનો સરહદી વિવાદ હવે એક ભયાનક પૂર્ણ-કક્ષાના યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહેલી ગોળીબાર અને તોપમારામાં અત્યાર સુધીમાં ૧૯ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં એક નાના બાળકનો પણ સમાવેશ થાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા સમય પહેલા જ આ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હોવાનો દાવો કરીને પોતાની પીઠ થાબડી હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કરાર ગણતરીના મહિનાઓમાં જ તૂટી પડ્યો છે. અત્યારે હાલત એ છે કે ૫,૧૦,૦૦૦ થી વધુ લોકો યુદ્ધની જ્વાળાઓથી બચવા માટે પોતાના ઘરબાર છોડીને સલામત સ્થળે આશરો લેવા મજબૂર બન્યા છે.

યુદ્ધના ૧૫મા દિવસે કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે થાઈલેન્ડની સેનાએ હવે વાયુસેનાનો ઉપયોગ શરૂ કર્યો છે. શનિવારે મોડી રાત્રે થાઈલેન્ડના F-16 ફાઈટર જેટે કંબોડિયાની સીમામાં ઘૂસીને ઓ જિયાક નામના મહત્વના કોંક્રીટ પુલ પર બોમ્બમારો કર્યો હતો, જેના કારણે આ પુલ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આ હુમલાને કારણે બે પ્રાંતો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે અને ઘાયલ નાગરિકોની સંખ્યા ૭૯ પર પહોંચી છે. કંબોડિયાના ઓડર મીંચે પ્રાંતમાં થાઈ આર્ટિલરીના ગોળા રહેણાંક મકાનો પર પડી રહ્યા છે, જેના કારણે ગાઢ જંગલો અને સરહદી વિસ્તારોમાં ભયાનક અરાજકતાનો માહોલ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે આ સંઘર્ષને રોકવાના તમામ પ્રયાસો અત્યારે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. ૭ ડિસેમ્બરથી ફરી શરૂ થયેલી આ હિંસાએ ૨૦ ડિસેમ્બરની સવાર સુધીમાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. કંબોડિયાના પ્રવક્તા માલી સોચેતાએ જણાવ્યું છે કે થાઈલેન્ડની આક્રમકતા સતત વધી રહી છે અને તેઓ નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. ટ્રમ્પની મધ્યસ્થી નિષ્ફળ ગયા બાદ હવે સંયુક્ત રાષ્ટ્ર કે અન્ય વૈશ્વિક સંગઠનો આ મામલે શું પગલાં લે છે તેના પર દુનિયાની નજર છે, કારણ કે આ યુદ્ધ સમગ્ર એશિયાની શાંતિ માટે જોખમ ઊભું કરી શકે છે.

(7:28 PM IST)