તા. ૧૮ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧ બુધવાર
Truecaller ના વળતા પાણી? ભારત સરકારની 'CNAP' સિસ્ટમ ગેમ-ચેન્જર બનશે : હવે એપ વગર જ દેખાશે કોલરનું સાચું નામ
ટેલિકોમ મંત્રાલયના આદેશથી કંપનીઓ હવે KYC આધારિત નેમ ડિસ્પ્લે સુવિધા આપશે : Truecaller ના ૨૫ કરોડ ભારતીય વપરાશકર્તાઓ પર મોટું સંકટ: ક્રાઉડસોર્સિંગના બદલે સરકારી ડેટાથી સ્પામ કોલ્સ અને છેતરપિંડી સામે મળશે ફૂલપ્રૂફ સુરક્ષા

નવી દિલ્હી : ભારતમાં સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે ટૂંક સમયમાં એક મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે, જે લોકપ્રિય એપ Truecaller ના અસ્તિત્વ સામે સવાલિયા નિશાન ઊભું કરી શકે છે. ભારત સરકારના નિર્દેશ પર ટેલિકોમ કંપનીઓ હવે 'CNAP' (Calling Name Presentation) સુવિધા લાગુ કરવા જઈ રહી છે. આ સિસ્ટમ સીધી ટેલિકોમ નેટવર્ક સાથે જોડાયેલી હશે, જેનો અર્થ છે કે જ્યારે પણ તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે, ત્યારે તમારા ફોન સ્ક્રીન પર તે વ્યક્તિનું નામ આપમેળે દેખાશે. આ માટે તમારે કોઈ વધારાની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કે ઇન્ટરનેટ ચાલુ રાખવાની જરૂર નહીં પડે.
CNAP અને Truecaller વચ્ચેનો સૌથી મોટો તફાવત ડેટાની વિશ્વસનીયતાનો છે. Truecaller માં નામો ક્રાઉડસોર્સિંગ (અન્ય લોકોના કોન્ટેક્ટ લિસ્ટ) દ્વારા લેવામાં આવે છે, જેમાં ઘણીવાર નામો ખોટા અથવા મજાકિયા હોઈ શકે છે. તેની સામે CNAP સિસ્ટમ સિમ કાર્ડ લેતી વખતે કરાવેલા સત્તાવાર KYC ડેટાનો ઉપયોગ કરશે, જે 100% સચોટ હશે. આ સુવિધાથી ખાસ કરીને ડિજિટલ છેતરપિંડી અને સ્પામ કોલ્સ પર લગામ કસાશે, કારણ કે છેતરપિંડી કરનાર વ્યક્તિ હવે પોતાની ઓળખ છુપાવી શકશે નહીં. નિષ્ણાતો માને છે કે જો કોઈ પણ ખર્ચ કે એપ વગર નામ દેખાતું હોય, તો લોકો પોતાના ફોનમાં Truecaller જેવી હેવી એપ્સ રાખવાનું પસંદ કરશે નહીં.
ભારતમાં અત્યારે Truecaller ના અંદાજે ૨૫ કરોડ જેટલા સક્રિય વપરાશકર્તાઓ છે, જેમના ડેટા અને ગોપનીયતાના જોખમો વિશે પણ અવારનવાર ચર્ચાઓ થતી હોય છે. CNAP લાગુ થવાથી યુઝર્સની પ્રાઈવસી વધુ સુરક્ષિત બનશે કારણ કે કોઈ ત્રીજી કંપનીને તમારા કોલ લોગ્સની એક્સેસ આપવાની જરૂર રહેશે નહીં. જોકે, Truecaller જેવી એપ્સ પાસે અત્યારે કોલ બ્લોકિંગ અને સ્પામ લિસ્ટ જેવી વધારાની સુવિધાઓ છે, પરંતુ જો ટેલિકોમ કંપનીઓ આ તમામ સેવાઓ નેટવર્ક લેવલ પર આપવાનું શરૂ કરશે, તો Truecaller માટે ભારતીય બજારમાં ટકી રહેવું મુશ્કેલ બની જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
