News of Monday, 22nd December 2025
ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડીઃ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષાઃ ટ્રેનો-ફ્લાઇટસ પ્રભાવિત
દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટીઃ વાહનવ્યવહાર ખોરવાયોઃ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શકયતા : હિમાચલ અને કાર્શ્ીમીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિતઃ દિલ્હી-NCRમાં ‘યલો એલર્ટ': પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળ્યું: જનજીવન પ્રભાવિત

નવી દિલ્હી, તા.૨૨: ઉત્તર ભારતમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પહાડો પર સતત પડી રહેલા બરફ અને મેદાની વિસ્તારોમાં ફેલાયેલા ગાઢ ધુમ્મસના ડબલ એટેકે જનજીવનને બાનમાં લીધું છે. જમ્મુ-કાશ્મીરમાં ‘ચિલ્લા કલાન'ના પ્રારંભ સાથે જ હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે, જેના કારણે પ્રખ્યાત પ્રવાસન સ્થળો ગુલમર્ગ અને સોનમર્ગ સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. પહાડો પરથી આવતા ઠંડા પવનોએ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ધ્રુજારી વધારી દીધી છે, જ્યારે દિલ્હીમાં તાપમાન ગગડતા હવામાન વિભાગે આગામી દિવસો માટે કડક ચેતવણી જારી કરી છે.
જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા અને ઝરમર વરસાદ, મેદાની વિસ્તારોમાં ધુમ્મસ સાથે, શીત લહેરમાં વધારો થયો છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં દૃશ્યતા ઓછી થવાને કારણે વાહનો રસ્તાઓ પર ઘૂસી ગયા, જેના કારણે રેલ ટ્રાફિક અને ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ. ધુમ્મસના કારણે શ્રી માતા વૈષ્ણો દેવી ખાતે કટરા-સાંઝી છટ હેલિકોપ્ટર સેવા પ્રભાવિત થઈ.
દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ધુમ્મસના કારણે દૃશ્યતામાં ઘટાડો થયો, જેના કારણે વાહનવ્યવહાર પર અસર પડી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. દિલ્હી માટે ઠંડી અને ધુમ્મસ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ફ્લાઇટ્સ અને ટ્રેનો મોડી પડી છે.
વાહનવ્યવહારની વાત કરીએ તો, ધુમ્મસની ઘાટી ચાદરે મુસાફરોની કસોટી કરી છે. દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર દ્રશ્યતા) શૂન્યની નજીક પહોંચતા એક જ દિવસમાં ૧૧૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરવી પડી છે, જ્યારે ૮૦૦થી વધુ ફ્લાઈટ્સ તેના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે. રેલ્વે સ્ટેશનો પર પણ મુસાફરોની હાલત કફોડી બની છે; વંદે ભારત અને રાજધાની જેવી પ્રીમિયમ ટ્રેનો પણ ૫ થી ૧૦ કલાક મોડી ચાલી રહી છે, જેના કારણે હજારો મુસાફરો સ્ટેશનો પર ઠંડીમાં ઠુંઠવાયેલા જોવા મળ્યા હતા.
કાશ્મીર ખીણમાં કુદરતી સૌંદર્યની સાથે સાથે આપત્તિ પણ જોવા મળી રહી છે. મુઘલ રોડ પર બરફના થર જામી જવાથી રાજોરી અને પૂંચનો સંપર્ક તૂટી ગયો છે. માતા વૈષ્ણો દેવીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટેની હેલિકોપ્ટર સેવાઓ ધુમ્મસને કારણે બંધ રાખવામાં આવી છે. હિમાચલના રોહતાંગ અને લાહૌલ-સ્પિતિમાં અડધો ફૂટ જેટલી હિમવર્ષા થતા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓને ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે હજુ પણ તાપમાનમાં વધુ ૩ થી ૫ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં હજુ આગામી ચાર દિવસ સુધી રાહત મળવાની કોઈ શકયતા નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ‘કોલ્ડ ડે' જેવી સ્થિતિ સર્જાઈ છે. પંજાબનું ગુરદાસપુર અને હરિયાણાનું નારનૌલ અત્યારે મેદાની વિસ્તારોમાં સૌથી ઠંડા કેન્દ્રો બની રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા ઠેર-ઠેર તાપણાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ છતાં સતત ફૂંકાતા ઠંડા પવનો અને ભેજવાળા વાતાવરણને કારણે જનજીવન થંભી ગયું હોય તેવું લાગી રહ્યું છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
