<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

દિલ્હીથી પ્લેન ટેકઓફ થતા જ બગડ્યું એન્જિન :ક્રૂની સતર્કતાએ પ્લેનનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

ફ્લેપ રિટ્રેક્શન દરમિયાન સમસ્યા આવી જ્યારે જમણા એન્જિનમાં તેલનું દબાણ પહેલા ઘટ્યું અને પછી શૂન્ય પર પહોંચી ગયું

નવી દિલ્હી :દિલ્હીથી મુંબઈ જતી એર ઇન્ડિયાના બોઇંગ 777-300ER વિમાન (VT-ALS), ફ્લાઇટ AI-887, ટેકઓફ કર્યા પછી તરત જ ટેકનિકલ સમસ્યાને કારણે દિલ્હી પરત ફરવું પડ્યું. એન્જિન નંબર 2 માં તેલનું દબાણ ખૂબ જ ઓછું હોવાનું જાણવા મળ્યું, જેના કારણે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવું પડ્યું હતુ.

ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિશનના જણાવ્યા અનુસાર ફ્લેપ રિટ્રેક્શન દરમિયાન સમસ્યા આવી જ્યારે જમણા એન્જિનમાં તેલનું દબાણ પહેલા ઘટ્યું અને પછી શૂન્ય પર પહોંચી ગયું હોવાનું જણાવ્યું છે. ફ્લાઈટને ક્રૂએ સતર્કતાથી સ્ટૈંડર્ડ સેફ્ટી પ્રોસીજર અપનાવી ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું,અને બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. (Air India) ટેકનિકલ નિરીક્ષણ અને સમારકામ ચાલી રહ્યું છે. DGCA એ એમ પણ જણાવ્યું હતું કે અગાઉના જાળવણી રેકોર્ડમાં તેલના વપરાશ સંબંધિત કોઈ અસામાન્યતા નોંધાઈ નથી. આ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

 

એર ઇન્ડિયાના પ્રવક્તાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, "માનક સંચાલન પ્રક્રિયા મુજબ, 22 ડિસેમ્બરે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ AI887 ના ક્રૂએ ટેકનિકલ સમસ્યાને કારણે ટેકઓફ પછી તરત જ દિલ્હી પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું છે. મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. આ અણધારી પરિસ્થિતિને કારણે થયેલી અસુવિધા બદલ એર ઇન્ડિયા માફી માંગે છે. વિમાનનું જરૂરી નિરીક્ષણ ચાલી રહ્યું છે.

દિલ્હીમાં અમારી ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને તાત્કાલિક સહાય પૂરી પાડી રહી છે અને તેઓ શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાને પહોંચે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. એર ઇન્ડિયામાં, અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અને સુખાકારી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

(11:52 AM IST)