News of Monday, 22nd December 2025
સન્ડે ઓન સાઈકલ હવે રાષ્ટ્રવ્યાપી અભિયાનઃ માંડવીયા જીવનશૈલીમાં નાના ફેરફારોથી મોટો બદલાવ શકયઃ કૈલાશ નાથન
પોડીંચેરીમાં સાઈકલ ચાલકોને પ્રોત્સાહન આપતા કેન્દ્રીય મંત્રી અને લેફટન્ટ ગવર્નર

પોડીંચેરી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા અને લેફટન્ટ ગવર્નર શ્રી કે.કૈલાશનાથનએ ફીટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાઈકલ અભિયાનના પ્રથમ વાર્ષિક દિન નિમિત્તે હાજરી આપેલ તે પ્રસંગની તસ્વીર.
અમદાવાદ, તા.૨૨: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સમગ્ર એક વર્ષના અનુભવનો ટૂંકમાં સારાંશ આપતા આ રવિવારે સવારે X પર લખ્યું: ૨ લાખ સ્થાનો, ૨૦ લાખ લોકો. એક મિશન - ફિટ ઇન્ડિયા. #SundaysOnCycle ના ૧ વર્ષની ઉજવણી કરી છે.
શાળાના વિદ્યાર્થીઓ, નમો સાયકલિંગ ક્લબ્સ, પોંડીચેરી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતા ૧૫૦૦ થી વધુ સાયકલ સવારોએ પોંડીચેરીના મનોહર રોક બીચને ફિટનેસના જીવંત ઉત્સવમાં ફેરવી દીધો હતો; જે આ ચળવળના વધતા રાષ્ટ્રીય મહત્વ અને દેશમાં સાયકલિંગના ઉદયને પ્રતિબિંબિત કરે છે. પદ્મ ભૂષણ અને ખેલ રત્ન પુરસ્કાર વિજેતા પી આર શ્રીજેશ અને શરથ કમલે પણ યુવાનો સાથે સાયકલ ચલાવી હતી, જેણે સહભાગીઓને રમતગમત અને ફિટનેસ અપનાવવા માટે વધુ પ્રેરિત કર્યા હતા.
પોંડીચેરીમાં રવિવારની સવારની સભામાં લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથન, મુખ્યમંત્રી એન. રંગાસામી, વિધાનસભાના અધ્યક્ષ આર. સેલ્વમ, અને પોંડીચેરીના ગળહમંત્રી એ. નમસ્સીવાયમ અને અન્ય પ્રતિષ્ઠિત સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત માનનીય કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પણ હાજર હતા - જેમણે એક વર્ષ પહેલા નવી દિલ્હીમાં સૌપ્રથમ વખતનાં આ કાર્યક્રમને લીલી ઝંડી આપી હતી.
સભાને સંબોધતા ડૉ. માંડવિયાએ સમજાવ્યું કે કેવી રીતે ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ એક સાધારણ શરૂઆતથી રાષ્ટ્રવ્યાપી જન આંદોલનમાં વિકસિત થયું છે. તેમણે કહ્યું, જ્યારે અમે એક વર્ષ પહેલા આ પહેલ શરૂ કરી હતી, ત્યારે તે માત્ર પાંચ સ્થળોએ લગભગ ૫૦૦ સહભાગીઓ સાથે આયોજિત કરવામાં આવી હતી. આજે, દેશભરમાં ૧૦,૦૦૦ થી વધુ સ્થળો દર રવિવારે ભાગ લે છે, જેમાં ૧૦ લાખથી વધુ નાગરિકો નિયમિતપણે જોડાય છે. તે એક જુસ્સો, એક સંસ્કળતિ અને પ્રદૂષણ માટેનો શક્તિશાળી ઉકેલ બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ ચળવળને સ્થૂળતા સામેની દેશવ્યાપી લડતમાં ફેરવવામાં મદદ કરી છે.
પોંડીચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથને આ પહેલને સમાજ માટે સમયસરનો સંદેશ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, ગુજરાતના ભાવનગરમાં ડૉ. માંડવિયાનું પોતાનું ગામ માત્ર ૪૦૦૦ લોકોનું છે અને ત્યાં દરેક વ્યક્તિ સાયકલ પર મુસાફરી કરે છે, અન્ય કોઈ ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર નથી. નાગરિક તરીકે, આપણે ઘણીવાર સમજી શકતા નથી કે જીવનશૈલીમાં નાના ફેરફારો સામૂહિક રીતે પર્યાવરણ માટે મોટો તફાવત લાવી શકે છે, ખાસ કરીને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાની બાબતમાં.
સેલેબ્સની યાદીમાં SAI સોનીપતના અર્જુન એવોર્ડ વિજેતા તીરંદાજ જ્યોતિ સુરેખા અને અભિષેક વર્માનો પણ સમાવેશ થાય છે. સન્ડેઝ ઓન સાયકલને નમો ફિટ ઇન્ડિયા સાયકલિંગ ક્લબ્સ અને માય ભારત સ્વયંસેવકો દ્વારા મોટો વેગ આપવામાં આવ્યો છે જેઓ આ અભિયાનનો મુખ્ય ભાગ રહ્યા છે.
પોંડીચેરીમાં કાર્યક્રમમાં બહુપ્રતિક્ષિત ફિટ ઇન્ડિયા મોબાઈલ એપ કાર્બન ક્રેડિટ ઇન્સેન્ટિવાઇઝેશન લોન્ચ કરવામાં આવ્યું હતું, જે સાયકલિંગ ઉત્સાહીઓને પ્રોત્સાહિત કરશે. સૌથી વધુ કાર્બન ક્રેડિટ મેળવનારા ત્રણ સાયકલ સવારો - ભરતભાઈ પરમાર, શશિકાંત વીરકર અને ગોવિંદ સિંહનું આ કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવ્યું હતું.
નાગરિકો સાયકલ ચલાવીને કાર્બન ક્રેડિટ મેળવી શકે છે, જે પછીથી રિડીમ કરી શકાય છે. ડૉ. માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હવેથી, દર મહિને દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના સાયકલ સવારોને ફિટ ઇન્ડિયા મોબાઇલ એપ દ્વારા મેપ કરવામાં આવશે અને ટોચના ત્રણ પ્રદર્શન કરનારાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ નાગરિકોને રોજિંદી આદત તરીકે સાયકલિંગ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા અને ઈનામ આપવા માટે છે.
ફિટ ઇન્ડિયા એમ્બેસેડર અને ઇન્ફ્લુએન્ઝર્સ કે જેઓ મુખ્ય રહ્યા છે અને સન્ડેઝ ઓન સાયકલના હેતુને ચેમ્પિયન બનાવ્યો છે, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નિધિ નિગમ, ઐશ્વર્યા રાજ (ચેમ્પિયન) અને એમ્બેસેડર ડૉ. શિખા ગુપ્તા, યુક્તિ આર્યા, પર્વતારોહક દિવ્યા અરુલ, તમિલનાડુ સ્ટેટ સાયકલિંગ ચેમ્પિયન શિવા સેંથિલનો સમાવેશ થાય છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
