તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
દુબઈમાં 'ગેંગસ્ટર' નીરજ ગોયતનો ધમાકો: અમેરિકન બોક્સરને રિંગમાં ધૂળ ચટાડ્યા બાદ બેકસ્ટેજમાં પણ થયો ભયાનક ડ્રામા
ભારતનું અપમાન કરનાર એન્થોની ટેલર સાથે નીરજે હાથ મિલાવવાનો કર્યો ઇનકાર; ગુસ્સે ભરાયેલા અમેરિકન ખેલાડીએ બોટલ ફેંકી, સિક્યુરિટીએ વચ્ચે પડવું પડ્યું

દુબઈ, તા. ૨૨ : દુબઈમાં યોજાયેલી 'મિસફિટ્સ બોક્સિંગ' ઇવેન્ટમાં ભારતનો ડંકો વાગ્યો છે. ભારતીય પ્રો-બોક્સર નીરજ ગોયતે, જે 'ગેંગસ્ટર' તરીકે જાણીતો છે, તેણે અમેરિકાના એન્થોની ટેલરને એકતરફી મુકાબલામાં હરાવીને શાનદાર જીત મેળવી છે. જોકે, આ જીત બાદ રિંગની બહાર જે દ્રશ્યો સર્જાયા તેણે સૌના હોશ ઉડાવી દીધા હતા. મેચ બાદ જ્યારે ટેલર હાથ મિલાવવા આવ્યો, ત્યારે નીરજે તેને રોકડું પરખાવી દઈને ઇનકાર કરી દીધો હતો, જેના કારણે બેકસ્ટેજમાં ભારે અરાજકતા સર્જાઈ હતી.
ભારત વિરુદ્ધ ઝેર ઓકવું ટેલરને ભારે પડ્યું
આ મેચ પહેલા એન્થોની ટેલરે સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સમાં ભારતની બોક્સિંગ ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા હતા અને દેશનું અપમાન કર્યું હતું. આ અપમાનનો બદલો નીરજે રિંગની અંદર લીધો હતો. ૬ રાઉન્ડના આ મુકાબલામાં નીરજ સંપૂર્ણપણે હાવી રહ્યો હતો. જજે ૫૯-૫૫, ૫૮-૫૬ અને ૬૦-૫૪ ના સ્કોર સાથે નીરજને વિજેતા જાહેર કર્યો હતો. નીરજની પંચિંગ સ્પીડ અને ટેકનિક સામે ટેલર લાચાર જણાયો હતો.
મેડિકલ રૂમમાં ફાટી નીકળ્યો ગુસ્સો
મેચ પૂરી થયા બાદ જ્યારે બંને ખેલાડીઓ મેડિકલ રૂમમાં હતા, ત્યારે ટેલરે નીરજ પાસે જઈને હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો હતો. નીરજે ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું, "તને બોક્સિંગ વિશે કશી ખબર નથી, તું કઈ વાત કરવા આવ્યો છે?" આ અસ્વીકારથી ઉશ્કેરાયેલા ટેલરે નીરજ પર પાણીની બોટલ ફેંકી હતી અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. મામલો બિચકતા જોઈને તાત્કાલિક સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા અને ટેલરને બહાર કાઢ્યો હતો.
"ભારત તમારો પિતા છે" – નીરજની ગર્જના
આ ઘટના બાદ નીરજ ગોયતે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "આ અમેરિકન ખેલાડીએ મને અને મારા દેશને ઓછો આંકવાની ભૂલ કરી હતી. મેં પહેલા જ કહ્યું હતું કે ભારત તમારો પિતા છે અને રહેશે. ભારતીયો જે કહે છે તે કરીને બતાવે છે." નીરજની આ ટિપ્પણી અત્યારે સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહી છે અને ભારતીય ચાહકો તેને રિયલ લાઈફ 'ગેંગસ્ટર' કહીને વધાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
