<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

મહારાષ્ટ્ર નગરપાલિકા ચૂંટણીમાં હાર બાદ 'આઘાડી'માં ભડકો: ઉદ્ધવ સેનાએ કોંગ્રેસને 'પ્રવાસી પાર્ટી' કહી ઝાટકી, ગઠબંધનમાં તિરાડના સંકેત

"કોંગ્રેસ માત્ર ચૂંટણીમાં જ પોસ્ટરો સાથે દેખાય છે, જમીની સ્તરે કામ શૂન્ય": ઉદ્ધવ જૂથના નેતા આનંદ દુબેનો સાથી પક્ષ પર આકરો પ્રહાર; મહાયુતિના પ્રચંડ વિજય બાદ વિપક્ષમાં યાદવાસ્થળી

મુંબઈ, તા. ૨૨ : મહારાષ્ટ્ર નગરપાલિકા અને નગર પંચાયતોની ચૂંટણીમાં થયેલી કારમી હાર બાદ વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડી (MVA) માં આંતરિક ડખ્ખો સપાટી પર આવ્યો છે. શિવસેના (UBT) એ પોતાની સાથી પાર્ટી કોંગ્રેસ વિરુદ્ધ મોરચો ખોલતા તેને 'પ્રવાસીઓની પાર્ટી' (Tourist Party) ગણાવી છે. ઉદ્ધવ જૂથના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસનો જનતા સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને તે માત્ર ચૂંટણી સમયે જ સક્રિય દેખાય છે.
ચૂંટણી મોસમમાં જ દેખાય છે કોંગ્રેસ: ઉદ્ધવ સેના
ઉદ્ધવ જૂથના પ્રવક્તા આનંદ દુબેએ તીખા શબ્દોમાં કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે, "કોંગ્રેસ એક એવી પાર્ટી છે જે માત્ર ચૂંટણીના દિવસોમાં જ રસ્તાઓ પર પોસ્ટરો અને બેનરો સાથે નજરે પડે છે. બાકીના સમયમાં જમીની સ્તરે તેમની હાજરી જોવા મળતી નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે છેલ્લા ૩૦ વર્ષથી કોંગ્રેસ મુંબઈ મહાનગરપાલિકા (BMC) માં વિરોધ પક્ષમાં હોવા છતાં લોકોના પ્રશ્નો ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. આ આળસુ અભિગમને કારણે જ સમગ્ર ગઠબંધનને નુકસાન વેઠવું પડ્યું છે.
મહાયુતિનો 'ક્લીન સ્વીપ': આંકડામાં સમજીએ જંગ
૨૧ ડિસેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી 'મહાયુતિ' (ભાજપ-શિંદે-અજીત પવાર) એ વિપક્ષી ગઠબંધનનો સફાયો કર્યો છે. ૨૮૮ નગરપાલિકા પ્રમુખની બેઠકોમાંથી મહાયુતિએ ૨૦૭ થી ૨૧૮ બેઠકો પર કબજો જમાવી પ્રચંડ બહુમતી મેળવી છે. જ્યારે મહાવિકાસ આઘાડીના ફાળે માત્ર ૪૪ થી ૪૭ બેઠકો જ આવી છે. આ પરિણામોમાં ભાજપ ૧૨૦ થી વધુ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે ઉદ્ધવ સેના માત્ર ૬ થી ૮ બેઠકો પર સમેટાઈ ગઈ છે.
કોંગ્રેસના ખરાબ દેખાવનો ભોગ આઘાડી બની
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસ અને શિવસેના (UBT) વચ્ચે મતોનું યોગ્ય સંકલન ન થતા ભાજપને સીધો ફાયદો થયો છે. વિદર્ભ અને મરાઠવાડા જેવા વિસ્તારોમાં ભાજપે એકપક્ષીય વિજય મેળવ્યો છે. બીજી તરફ, પોતાની જ હારનું વિશ્લેષણ કરવાને બદલે ઉદ્ધવ સેના દ્વારા કોંગ્રેસ પર કરવામાં આવેલા આ પ્રહારથી આગામી સમયમાં મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

(6:04 PM IST)