<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

બાંગ્લાદેશમાં લોહીયાળ જંગ: ઉસ્માન હાદીની હત્યાના ૪ દિવસમાં જ NCPના વધુ એક વરિષ્ઠ નેતાના માથામાં મરાઈ ગોળી

ખુલનામાં શ્રમિક શક્તિના નેતા મોતલેબ શિકદાર પર જીવલેણ હુમલો; હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા નેતા, દેશમાં અશાંતિ અને હિંસાની આગ વકરતા હાહાકાર

ખુલના (બાંગ્લાદેશ), તા. ૨૨ : બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ઢાકામાં જાણીતા કાર્યકર્તા ઉસ્માન હાદીની હત્યાના આઘાતમાંથી દેશ હજુ બહાર આવ્યો નથી ત્યાં જ, સોમવારે સવારે ખુલના શહેરમાં નેશનલ સિટિઝન્સ પાર્ટી (NCP) ના વરિષ્ઠ મજૂર પાંખના નેતા મોહમ્મદ મોતલેબ શિકદાર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોએ શિકદારના માથાના ભાગે નિશાન બનાવી ગોળી મારી હતી, જેના કારણે તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ભરબપોરે ઘરમાં ઘૂસીને હુમલો
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે ૧૧:૪૫ વાગ્યે ખુલનાના સોનાડાંગા વિસ્તારમાં બની હતી. ૪૨ વર્ષીય મોતલેબ શિકદાર NCP ના મજૂર સંગઠન 'શ્રમિક શક્તિ' ના કેન્દ્રીય આયોજક હતા. હુમલાખોરોએ ગાઝી મેડિકલ કોલેજ પાછળ આવેલા એક ઘરમાં ઘૂસીને આ જઘન્ય કૃત્ય આચર્યું હતું. ઘટના બાદ સ્થાનિક લોકોએ લોહીલુહાણ હાલતમાં તેમને ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાંથી તેમને વધુ તપાસ માટે ખાનગી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે.
રાજકીય રેલીના આયોજનમાં હતા વ્યસ્ત
NCP ના હોદ્દેદારોએ જણાવ્યું કે શિકદાર આગામી દિવસોમાં ખુલનામાં યોજાનારી એક મોટી મજૂર રેલીની તૈયારીઓમાં સક્રિય હતા. પાર્ટીના સંયુક્ત સચિવ ડૉ. મહમુદા મીટુએ આ હુમલાની પુષ્ટિ કરતા સોશિયલ મીડિયા પર ઊંડો આક્રોશ વ્યક્ત કર્યો છે. પોલીસ અત્યારે અજાણ્યા હુમલાખોરોની શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
ઉસ્માન હાદીની હત્યા બાદ હિંસા વધી
ગયા ગુરુવારે ભારત વિરોધી કાર્યકર ઉસ્માન હાદીની ઢાકામાં હત્યા કરવામાં આવી હતી. હાદી એ વ્યક્તિ હતા જેમણે શેખ હસીનાની સરકારને ઉથલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની હત્યા બાદ બાંગ્લાદેશમાં મીડિયા હાઉસ અને સાંસ્કૃતિક કેન્દ્રો પર ટોળાશાહીના હુમલા વધ્યા છે. આ અરાજકતામાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિન્દુ બંગાળી કામદારો પર પણ હુમલા થઈ રહ્યા છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જન્માવી છે.

(6:08 PM IST)