News of Monday, 22nd December 2025
અરવલ્લીના અસ્તિત્વ પર ખતરો કે રાજકીય અફવા? ખાણકામ મુદ્દે કેન્દ્ર અને વિપક્ષ સામસામે, સચિન પાયલટે જયપુરમાં કૂચની કરી જાહેરાત
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું- 'માત્ર 0.19% વિસ્તારમાં જ ખાણકામની છૂટ, પર્વતમાળા સુરક્ષિત છે'; પાયલટનો પલટવાર- 'જૂના રિપોર્ટ્સ બતાવી પર્યાવરણનો નાશ કરી રહી છે સરકાર'

જયપુર, તા. ૨૨ : વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક એવી અરવલ્લી ટેકરીઓને ખાણકામ માટે ખુલ્લી મુકવાના મુદ્દે દેશમાં નવું રાજકીય ઘમસાણ શરૂ થયું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે વિપક્ષના તમામ આરોપોને નકારી કાઢતા સ્પષ્ટ કર્યું હતું કે અરવલ્લી પર્વતમાળા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સરકાર સુપ્રીમ કોર્ટના આદેશોનું ચુસ્તપણે પાલન કરી રહી છે. બીજી તરફ, કોંગ્રેસ નેતા સચિન પાયલટે સરકાર પર ગંભીર આક્ષેપો કરતા ૨૬ ડિસેમ્બરે જયપુરમાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી છે.
આંકડાઓની માયાજાળ અને સરકારનો બચાવ
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અરવલ્લીના કુલ ૧.૪૪ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી માત્ર ૦.૧૯ ટકા હિસ્સો જ એવો છે જ્યાં ખાણકામની પાત્રતા છે. તેમણે કહ્યું કે, "અરવલ્લી વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. અમારી સરકાર હરિયાળી અરવલ્લીના વિઝન સાથે આગળ વધી રહી છે. જે લોકો જૂઠું બોલી રહ્યા છે, તેમના જૂઠાણા ટૂંક સમયમાં જ ખુલ્લા પડી જશે."
સચિન પાયલટની ચેતવણી: NCR પર તોળાતું સંકટ
કોંગ્રેસ નેતા સચિન પાયલટે સરકારના દાવા સામે લાલ આંખ કરતા કહ્યું કે, સરકાર ૨૦-૩૦ વર્ષ જૂના રિપોર્ટ્સના આધારે કોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો અરવલ્લીની ટેકરીઓ નાશ પામશે, તો સમગ્ર નેશનલ કેપિટલ રીજન (NCR) માં પર્યાવરણીય હોનારત સર્જાશે. વાયુ પ્રદૂષણ, પાણીની અછત અને વધતી ગરમીને કારણે કરોડો લોકોનું જીવન જોખમમાં મુકાશે. પાયલટે ઉમેર્યું કે, "સરકારની પર્વતમાળાઓ પ્રત્યે કોઈ જવાબદારી નથી, તેઓ માત્ર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માંગે છે."
રાજસ્થાન અને હરિયાણા માટે રક્ષક છે અરવલ્લી
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ પણ આ મુદ્દે ઝંપલાવતા કહ્યું કે અરવલ્લી પર્વતમાળા થારના રણની રેતીને દિલ્હી અને હરિયાણા તરફ આવતી અટકાવે છે. જો તેને નુકસાન પહોંચાડવામાં આવશે, તો ઉત્તર ભારતનું પર્યાવરણીય સંતુલન ખોરવાઈ જશે. તેમણે અરવલ્લીને નુકસાન કરનારાઓને 'દેશના દુશ્મન' ગણાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટની દેખરેખ અને આગામી રણનીતિ
અરવલ્લીમાં ખાણકામનો વિવાદ વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટે અગાઉ પર્યાવરણને ધ્યાનમાં રાખીને અનેક પ્રતિબંધો લાદ્યા છે, પરંતુ સરકારના નવા વર્ગીકરણથી પર્યાવરણવાદીઓ ચિંતિત છે. હવે જ્યારે સચિન પાયલટે ૨૬ ડિસેમ્બરે જયપુરમાં વિરોધ કૂચની જાહેરાત કરી છે, ત્યારે આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા પૂરેપૂરા સંકેત છે.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
