<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ગાયક કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે ઠોક્યો ₹50 કરોડનો માનહાનિનો દાવો

વર્ષો જૂના છૂટાછેડા બાદ ફરી ભભૂકી કડવાશ : ગર્ભાવસ્થામાં ત્રાસ આપવાના અને અનેક અફેર હોવાના ગંભીર આરોપો બાદ કાયદાકીય શસ્ત્ર ઉગામ્યું

મુંબઈ: બોલિવૂડના જાણીતા પ્લેબેક સિંગર કુમાર સાનુ અત્યારે પોતાના ગીતોને કારણે નહીં, પરંતુ અંગત જીવનમાં ચાલી રહેલા એક મોટા કાયદાકીય વિવાદને કારણે ચર્ચામાં છે. ગાયકે તેમની પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 50 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડ્યો છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રીટાએ એક ઈન્ટરવ્યુમાં કુમાર સાનુ પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. રીટાએ દાવો કર્યો હતો કે જ્યારે તેઓ લગ્નગ્રંથિથી જોડાયેલા હતા, ત્યારે કુમાર સાનુના અન્ય મહિલાઓ સાથે સંબંધો હતા અને ગર્ભાવસ્થા દરમિયાન તેમને માનસિક તેમજ શારીરિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા. આ આરોપોથી પોતાની છબી ખરડાઈ હોવાનું માનીને કુમાર સાનુએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

રીટા ભટ્ટાચાર્ય અને કુમાર સાનુના લગ્ન વર્ષ 1986માં થયા હતા, પરંતુ આ સંબંધ માત્ર 8 વર્ષ જ ટક્યો અને 1994માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. રીટા ભટ્ટાચાર્ય હંમેશા ગ્લેમરની દુનિયાથી દૂર રહીને પોતાના ત્રણ બાળકોનો ઉછેર કરી રહ્યા છે. જોકે, તાજેતરમાં બિગ બોસ દરમિયાન કેટલીક જૂની વાતો સપાટી પર આવતા રીટાએ મૌન તોડ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગાયકે તેમને ખાવા-પીવા માટે પણ વલખાં મરાવ્યા હતા. બીજી તરફ, કુમાર સાનુના વકીલોનું કહેવું છે કે આ તમામ આરોપો પાયાવિહોણા છે અને ગાયકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યા છે.

હાલમાં આ વિવાદ વધુ વકર્યો છે કારણ કે રીટાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે કુમાર સાનુ દ્વારા આટલી મોટી રકમની માંગણીથી સ્તબ્ધ છે. રીટાના જણાવ્યા અનુસાર, કુમાર સાનુએ લાંબા સમયથી તેમના અને બાળકોના ફોન નંબર બ્લોક કરી દીધા છે અને તેમની વચ્ચે કોઈ સંવાદ નથી. ભાવુક થતા રીટાએ એમ પણ કહ્યું કે, જો તેઓ પ્રેમ આપી શકતા નથી, તો મહેરબાની કરીને હેરાન ન કરે. હવે જોવાનું એ રહેશે કે 90ના દાયકાના સુપરસ્ટાર સિંગર અને તેમની પૂર્વ પત્ની વચ્ચેની આ કાનૂની લડાઈ શું નવો વળાંક લે છે.

(7:28 PM IST)