તા. ૨૪ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૮ મંગળવાર
મુંબઈના રણમેદાનમાં 'ઠાકરે બંધુઓ' એક થશે? સંજય રાઉતનો રાહુલ ગાંધીને ફોન, પણ કોંગ્રેસની 'એકલા ચલો રે'ની જીદ
BMC ચૂંટણીમાં ભાજપને પછાડવા ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે ગઠબંધનની તૈયારી : MNS સાથેના જોડાણ સામે કોંગ્રેસનો કડક વાંધો, છતાં સંજય રાઉત MVAની એકતા બચાવવા મેદાનમાં

મુંબઈ: દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન BMCની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીએ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે સીધો જ રાહુલ ગાંધીનો સંપર્ક સાધીને તેમને મહા વિકાસ આઘાડી (MVA) ગઠબંધન હેઠળ સાથે મળીને ચૂંટણી લડવાની અપીલ કરી છે. જોકે, આ રસ્તો એટલો સરળ નથી, કારણ કે શિવસેના (UBT) હવે રાજ ઠાકરેની MNS સાથે હાથ મિલાવવાની તૈયારીમાં છે, જેનાથી કોંગ્રેસ નારાજ જણાય છે. સંજય રાઉતે સ્વીકાર્યું છે કે કોંગ્રેસને MNS સામે સૈદ્ધાંતિક વાંધો છે, પરંતુ ભાજપના વિજય રથને રોકવા માટે તમામ વિપક્ષી દળોની એકતા અનિવાર્ય હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું છે.
બીજી તરફ, મુંબઈ કોંગ્રેસના નેતાઓ અત્યારે આક્રમક મૂડમાં છે અને તેમણે 'એકલા લડવાની' મક્કમતા દર્શાવી છે. કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કાર્યકરો ગઠબંધનને બદલે પોતાની તાકાત પર ચૂંટણી લડવા માંગે છે. કોંગ્રેસ ભ્રષ્ટાચાર અને પ્રદૂષણ જેવા સ્થાનિક મુદ્દાઓને હથિયાર બનાવીને મેદાનમાં ઉતરવાની યોજના બનાવી રહી છે. કોંગ્રેસનું માનવું છે કે મુંબઈના ધર્મનિરપેક્ષ માળખાને બચાવવા માટે તેમનું અલગ લડવું વધુ ફાયદાકારક રહેશે, જ્યારે શિવસેના (UBT)ના અનિલ પરબનું કહેવું છે કે ઠાકરે બંધુઓ વચ્ચેના ગઠબંધનની જાહેરાત ગમે તે ક્ષણે થઈ શકે છે.
BMCની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જંગ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 30 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 15 જાન્યુઆરીએ મતદાન અને 16 જાન્યુઆરીએ પરિણામો જાહેર થવાના છે, ત્યારે આગામી 48 કલાક બેઠકોની વહેંચણી અને ગઠબંધન માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. શું ઉદ્ધવ અને રાજ ઠાકરે વર્ષો પછી એક જ મંચ પર આવશે? અને શું રાહુલ ગાંધી સંજય રાઉતની વિનંતી સ્વીકારીને પોતાના સ્થાનિક નેતાઓને મનાવી શકશે? આ પ્રશ્નોના જવાબ પર જ મુંબઈની મહાનગરપાલિકાની સત્તાની ચાવી નિર્ભર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
