News of Monday, 22nd December 2025
બિહાર રાજ્યસભા ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: સીટ માટે ચિરાગ પાસવાન અને માંઝી વચ્ચે 'વોર', ઓવૈસીનો પક્ષ બનશે 'કિંગમેકર'?
એપ્રિલમાં ખાલી થનારી ૫ બેઠકો માટે ખેલાશે ખરાખરીનો જંગ; NDA માં આંતરિક ખેંચતાણ તેજ, પાંચમી બેઠક પર AIMIM ના ૫ ધારાસભ્યો નક્કી કરશે જીતનું સમીકરણ

પટના :બિહારમાં આવતા વર્ષે એપ્રિલ મહિનામાં રાજ્યસભાની પાંચ બેઠકો ખાલી થઈ રહી છે, જેને લઈને અત્યારથી જ રાજકીય ગરમાવો આવી ગયો છે. સત્તાધારી NDA ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ શરૂ થઈ છે. ખાસ કરીને ચિરાગ પાસવાનની પાર્ટી LJP(R) અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીની પાર્ટી HAM વચ્ચે એક બેઠક માટે જોરદાર દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, પાંચમી બેઠક પર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નું વલણ નિર્ણાયક સાબિત થશે.
લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ ચિરાગ પાસવાન હવે રાજ્યસભામાં પણ પોતાનો હિસ્સો માંગી રહ્યા છે. LJP(R) ના ૧૯ ધારાસભ્યોના બળ પર ચિરાગનો દાવો મજબૂત જણાય છે. સામે પક્ષે જીતન રામ માંઝીએ પણ આક્રમક તેવર બતાવતા ધમકી આપી છે કે જો તેમના પક્ષને બેઠક નહીં મળે તો તેઓ મોટું પગલું ભરી શકે છે. જોકે, રાજકીય વિશ્લેષકો માને છે કે ૧૯ ધારાસભ્યો ધરાવતા ચિરાગ પાસવાનનું પલ્લું માંઝી કરતા ભારે છે.
બિહાર વિધાનસભામાં ૨૪૩ સભ્યો છે. રાજ્યસભાની એક બેઠક જીતવા માટે ૪૧ મતોની જરૂર છે. વર્તમાન સ્થિતિમાં NDA પાસે ૨૦૨ ધારાસભ્યો છે, જેના કારણે તેમની ૪ બેઠકો પર જીત નિશ્ચિત મનાય છે. જનતા દળ યુનાઈટેડ (JDU) એ પહેલેથી જ સંકેત આપી દીધા છે કે તે પોતાની બે બેઠકો પર કોઈની દખલગીરી સહન નહીં કરે, એટલે કે હવે સાથી પક્ષોને મનાવવાની જવાબદારી ભાજપના શિરે છે.
પાંચમી બેઠક માટેનો જંગ સૌથી વધુ રોમાંચક છે. જો વિપક્ષી મહાગઠબંધન પાંચમી બેઠક જીતવા માંગતું હોય, તો તેને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ના ૫ ધારાસભ્યો અને બસપા (BSP) ના એક ધારાસભ્યના ટેકાની જરૂર પડશે. જો AIMIM મતદાનથી દૂર રહે અથવા બહિષ્કાર કરે, તો જીતવા માટે જરૂરી મતોનો આંકડો ૪૧ થી ઘટીને ૩૯ થઈ જશે, જે પરિસ્થિતિમાં NDA પાંચે-પાંચ બેઠકો જીતી શકે તેવી શક્યતા છે.
નોંધનીય છે કે જે પાંચ સભ્યોની મુદત ૯ એપ્રિલે પૂરી થઈ રહી છે તેમાં હરિવંશ નારાયણ સિંહ, રામનાથ ઠાકુર (JDU), પ્રેમચંદ્ર ગુપ્તા, એડી સિંહ (RJD) અને ઉપેન્દ્ર કુશવાહા (RLM) નો સમાવેશ થાય છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ પોતાના આક્રમક સાથી પક્ષોને કેવી રીતે સંતોષે છે અને ઓવૈસીની પાર્ટી શું વલણ અપનાવે છે
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
