<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

દિલ્હીમાં પ્રદૂષણ સામે 'યુદ્ધ': ઓફિસોમાં ૫૦% વર્ક-ફ્રોમ-હોમ ફરજિયાત, નિયમ તોડનાર કંપનીઓ થશે સીલ, સરકારનો એક્શન પ્લાન

ઝેરી હવાથી જનજીવન બેહાલ: GRAP-4 હેઠળ ૧૦,૦૦૦ વાહનો જપ્ત, 'નો PUC-નો ફ્યુઅલ'નો કડક અમલ; પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે તંત્રની લાલ આંખ

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે. ચારેબાજુ છવાયેલા ઝેરી ધુમ્મસને કારણે લોકોનું શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે ત્યારે દિલ્હી સરકારે પ્રદૂષણ સામે 'યુદ્ધ સ્તર'ની કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને ખાનગી ઓફિસો માટે જારી કરાયેલા ૫૦% વર્ક-ફ્રોમ-હોમ (WFH) ના નિયમની અવગણના કરનાર સંસ્થાઓ સામે હવે સીધી કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે. સરકારની સ્પેશિયલ ટીમો હવે ખાનગી ઓફિસોમાં સર્ચ ઓપરેશન હાથ ધરશે અને જો નિયમનું ઉલ્લંઘન જણાશે તો ઓફિસને તાત્કાલિક સીલ કરવાની સાથે ભારે દંડ પણ ફટકારવામાં આવશે.
પરિવહન વિભાગે પ્રદૂષણને રોકવા માટે GRAP-4 ના નિયમો હેઠળ આકરી કાર્યવાહી હાથ ધરી છે. હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન ૨ લાખથી વધુ વાહનોના PUC પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૧૦,૦૦૦ વાહનો નિર્ધારિત ધોરણોમાં નિષ્ફળ જણાતા તેમને જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સરકારે હવે "નો PUC, નો ફ્યુઅલ" ની નીતિ અમલી બનાવી છે, એટલે કે માન્ય પ્રદૂષણ સર્ટીફિકેટ વગર હવે પેટ્રોલ પંપ પરથી બળતણ મેળવવું અશક્ય બનશે.
પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે MCD અને DPCC એ સંયુક્ત મોરચો ખોલ્યો છે. ૩૧ ડિસેમ્બર સુધીમાં જે ઉદ્યોગોએ OECM પ્રમાણપત્ર માટે અરજી નથી કરી તેમને બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત, અનધિકૃત વિસ્તારોમાં ચાલતા ગેરકાયદે ફેક્ટરી એકમોને સીલ કરવાની કામગીરી પણ તેજ બનાવી દેવામાં આવી છે. કચરાના નિકાલ માટે લેન્ડફિલ સાઇટ્સ પર દરરોજ ૩૫,૦૦૦ મેટ્રિક ટન કચરાનું બાયો-માઇનિંગ કરીને પ્રદૂષણના સ્ત્રોત નાબૂદ કરવાના પ્રયાસો ચાલુ છે.
મોનિટરિંગ સિસ્ટમને વધુ સચોટ બનાવવા માટે સરકાર હવે ANPR કેમેરાની ટેકનિકલ ખામીઓ દૂર કરી રહી છે, જેથી નિયમ તોડતા વાહનોની સચોટ ઓળખ થઈ શકે. બીજી તરફ, શહેરના જૂના અને અતિક્રમિત જળાશયોને પુનર્જીવિત કરવાનું કામ પણ યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે. સરકારનું લક્ષ્ય છે કે ઓછામાં ઓછા ૫૦% જળાશયોને પુનઃસ્થાપિત કરી પર્યાવરણીય સંતુલન જાળવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા પ્રદૂષણના સંકટથી બચી શકાય.

(8:10 PM IST)