<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો! IMD ની ભયાનક ચેતવણી: ૨૭ ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની ચાદર લપેટાશે, પારો ૫ ડિગ્રી સુધી ગગડવાની વકી

પંજાબ, યુપી અને દિલ્હીમાં 'કોલ્ડ ડે' ની સ્થિતિ; પહાડોમાં હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડોગાર પવન ફૂંકાશે, ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા

નવી દિલ્હી:સમગ્ર ઉત્તર ભારત અત્યારે ઠંડીના સકંજામાં છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસો માટે અત્યંત મહત્વની ચેતવણી જારી કરી છે. ૨૭ ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ રહેવાની પ્રબળ શક્યતા છે. ધુમ્મસ એટલું ભયાનક હોઈ શકે છે કે સવારના સમયે દૃશ્યતા શૂન્યની નજીક પહોંચી જશે, જેના કારણે વાહનવ્યવહાર અને ટ્રેન સેવાઓ પર માઠી અસર પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસનો ધરખમ ઘટાડો થઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં ૨૨ ડિસેમ્બરના રોજ 'કોલ્ડ ડે' (Cold Day) ની ચેતવણી આપવામાં આવી છે, જે ગંભીર ઠંડીમાં ફેરવાઈ શકે છે. બિહારમાં ૨૨ થી ૨૬ ડિસેમ્બર દરમિયાન સખત ઠંડી પડવાની આગાહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ આગામી થોડા દિવસોમાં પારો ગગડતા રાત્રિના સમયે ઠંડીનું જોર વધશે.
હિમાલયી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં ૨૨, ૨૩, ૨૭ અને ૨૮ ડિસેમ્બરે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ બરફવર્ષા થતા પહાડી પવનો મેદાની વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધારશે. બીજી તરફ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ૨૭ અને ૨૮ ડિસેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માત્ર ઉત્તર ભારત જ નહીં, પરંતુ પશ્ચિમ અને પૂર્વ ભારતના રાજ્યોમાં પણ ધુમ્મસનો પ્રભાવ જોવા મળશે. રાજસ્થાન, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તર મધ્યપ્રદેશમાં ૨૩ ડિસેમ્બરે સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. ઓડિશા અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં પણ ૨૫ ડિસેમ્બર સુધી ધુમ્મસને કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. હવામાન વિભાગે લોકોને વહેલી સવારે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા અને ઠંડીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે

(8:52 PM IST)