News of Monday, 22nd December 2025
દિલ્હીમાં નીતિશ કુમારનો પાવર શો: વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ સાથે બેઠકોનો દોર, બિહારના વિકાસ અને આગામી રણનીતિ પર મંથન
NDA સરકારની રચના બાદ મુખ્યમંત્રીની પ્રથમ દિલ્હી મુલાકાત;પીએમ નિવાસસ્થાને ૩૦ મિનિટ ચાલી ખાસ મુલાકાત, 'સાત નિશ્ચય ૩.૦' અને કેન્દ્રીય મદદ અંગે થઈ ગહન ચર્ચા

નવી દિલ્હી:બિહારમાં નવી NDA સરકારના શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર પ્રથમ વખત દિલ્હીના પ્રવાસે પહોંચ્યા છે. સોમવારે રાજધાનીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો કારણ કે નીતિશ કુમારે એક પછી એક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે મહત્વની બેઠકો કરી હતી. વડાપ્રધાન નિવાસસ્થાને થયેલી ૩૦ મિનિટની મુલાકાતમાં બિહારના ભાવિ વિકાસ અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના સમન્વય પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં નીતિશ કુમારની સાથે જેડીયુના નેતા લલ્લન સિંહ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીએ બિહારની મહત્વકાંક્ષી 'સાત નિશ્ચય યોજના ૩.૦' અંગે વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. મંત્રી અશોક ચૌધરીએ આ અંગે વધુ વિગત આપતા જણાવ્યું કે, કેન્દ્ર સરકાર બિહારના વિકાસમાં કેવી રીતે વધુ આર્થિક સહયોગ આપી શકે અને રાજ્યની પ્રાથમિકતાઓ શું છે, તે મુદ્દે સકારાત્મક ચર્ચા થઈ છે.
પીએમ મોદી સાથેની મુલાકાત બાદ નીતિશ કુમાર સીધા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને મળવા પહોંચ્યા હતા. અમિતભાઇ શાહે નીતિશ કુમારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થા તેમજ આગામી ચૂંટણીલક્ષી સમીકરણો પર ચર્ચા થઈ હોવાનું મનાય છે. નવી સરકાર બન્યા પછી આ પ્રકારની હાઈ-પ્રોફાઈલ બેઠકો ભવિષ્યના સહયોગ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
નીતિશ કુમારનો આ બે દિવસીય દિલ્હી પ્રવાસ આજે પૂર્ણ થઈ રહ્યો છે. ગઈકાલે તેમણે પોતાની પાર્ટીના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરી સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આજે સાંજ સુધીમાં તેઓ પટના પરત ફરશે. બિહારમાં ભાજપ અને જેડીયુના ગઠબંધન વાળી નવી સરકાર બન્યા બાદ, દિલ્હીમાં મળેલી આ મંજૂરી અને સમર્થન આગામી સમયમાં બિહારના વહીવટમાં નવી ઉર્જા ફૂંકશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
