News of Monday, 22nd December 2025
JDU પર થઈ 'ધનની વર્ષા': પાર્ટીના ફંડમાં એક જ વર્ષમાં ૯૩૨% નો તોતિંગ ઉછાળો, ચૂંટણી પંચના રિપોર્ટથી વિપક્ષોમાં ખળભળાટ
૧.૮૧ કરોડથી વધીને સીધું ૧૮.૬૯ કરોડે પહોંચ્યું દાન; નીતિશ કુમાર કરતા હરિવંશ સિંહે આપ્યું ૩ ગણું વધુ ફંડ, કોર્પોરેટ ટ્રસ્ટોએ જેડીયુની તિજોરી છલકાવી દીધી

પટના: બિહારના રાજકારણમાં નીતિશ કુમારના નેતૃત્વવાળી જનતા દળ યુનાઈટેડ (JDU) અત્યારે આર્થિક રીતે માલામાલ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં JDU ના રાજકીય ભંડોળમાં અકલ્પનીય ૯૩૨ ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે જે પાર્ટીને માત્ર ₹૧.૮૧ કરોડનું દાન મળ્યું હતું, તે આ વર્ષે વધીને સીધું ₹૧૮.૬૯ કરોડ પર પહોંચી ગયું છે. આ આંકડા દર્શાવે છે કે ચૂંટણી વર્ષમાં જેડીયુની લોકપ્રિયતા અને તેના પ્રત્યે દાતાઓના વિશ્વાસમાં મોટો વધારો થયો છે.
પક્ષના ભંડોળમાં નેતાઓના વ્યક્તિગત યોગદાનની વાત કરીએ તો તેમાં એક રસપ્રદ પાસું સામે આવ્યું છે. બિહારના મુખ્યમંત્રી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે પાર્ટીને ₹૧.૨૫ લાખનું દાન આપ્યું છે. જોકે, તેમના કરતા રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે પક્ષના ખજાનામાં ત્રણ ગણું વધુ એટલે કે ₹૩.૭૪ લાખનું યોગદાન આપીને સૌને ચોંકાવી દીધા છે. વરિષ્ઠ નેતાઓ દ્વારા આપવામાં આવેલા આ દાનની અત્યારે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે.
JDU ની તિજોરી છલકાવવામાં ઈલેક્ટોરલ ટ્રસ્ટોએ સૌથી મોટી ભૂમિકા ભજવી છે. પ્રાપ્ત થયેલા કુલ ભંડોળમાંથી મોટો હિસ્સો કોર્પોરેટ જગતમાંથી આવ્યો છે. 'પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટ' દ્વારા ₹૧૦ કરોડ, 'પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ' દ્વારા ₹૫ કરોડ અને 'સમાજ ઈલેક્ટોરલ ટ્રસ્ટ' દ્વારા ₹૨ કરોડનું દાન પક્ષને મળ્યું છે. આ ઉપરાંત અનમોલ ઇન્ડસ્ટ્રીઝ અને સોના બિસ્કિટ જેવી ખાનગી કંપનીઓએ પણ લાખો રૂપિયાનું દાન આપીને પક્ષની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવી છે.
માત્ર એક જ વર્ષમાં આટલો મોટો ઉછાળો એ સૂચવે છે કે આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા JDU પોતાનો પ્રચાર અને સંગઠન મજબૂત કરવા માટે આર્થિક રીતે સજ્જ થઈ ગયું છે. વિશ્લેષકો માને છે કે બિહારમાં NDA સરકારની મજબૂતી અને નીતિશ કુમારની બદલાતી રાજનીતિને કારણે કોર્પોરેટ ગૃહો અને મોટા દાતાઓ જેડીયુ તરફ આકર્ષાયા છે. હવે જોવાનું એ રહેશે કે આ જંગી ભંડોળનો ઉપયોગ પક્ષ આવનારી ચૂંટણીઓમાં કેવી રીતે કરે છે
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
