<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

કેન્દ્રીય કર્મચારીઓ માટે લોટરી લાગશે! ૮મું પગાર પંચ લાગુ થવામાં હવે ગણતરીના દિવસો બાકી, જાણો તમારા પગારમાં કેટલો થશે તોતિંગ વધારો

૩૧ ડિસેમ્બરે ૭મા પગાર પંચનો કાર્યકાળ પૂરો; ૧ જાન્યુઆરી ૨૦૨૬થી નવા પગાર માળખાની થશે અમલવારી, ફિટમેન્ટ ફેક્ટર વધતા ન્યૂનતમ પગાર અને પેન્શનમાં આવશે મોટો ઉછાળો

નવી દિલ્હી  : કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસો ખુશીઓની ભેટ લઈને આવ્યા છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ૭મા પગાર પંચનો કાર્યકાળ સત્તાવાર રીતે પૂર્ણ થઈ રહ્યો છે, જેની સાથે જ ૮મા પગાર પંચના અમલીકરણ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સરકાર દ્વારા ઓક્ટોબર ૨૦૨૫માં જ ૮મા પગાર પંચની શરતોને મંજૂરી આપી દેવામાં આવી છે, જેનાથી હવે કર્મચારીઓમાં પગાર વધારાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પગારમાં કેટલા ટકાનો વધારો થઈ શકે?
જોકે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ ભૂતકાળના પગાર પંચોના ઈતિહાસ પર નજર કરીએ તો ૮મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં ૨૦% થી ૩૫% સુધીનો તોતિંગ વધારો થવાની શક્યતા છે. ૬ઠ્ઠા પગાર પંચમાં ૪૦% અને ૭મા પગાર પંચમાં અંદાજે ૨૩% થી ૨૫% નો વધારો થયો હતો. નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર ૨.૪ થી ૩.૦ ની વચ્ચે હોઈ શકે છે, જે નીચલા સ્તરના કર્મચારીઓના પગારમાં મોટો ફેરફાર લાવશે.
ક્યારથી મળશે વધેલા પગારનો લાભ?
સરકારી પ્રક્રિયા મુજબ, ૧ જાન્યુઆરી, ૨૦૨૬ ને નવા પગાર માળખાની 'ઈફેક્ટિવ ડેટ' માનવામાં આવશે. જોકે, તેનો અર્થ એ નથી કે જાન્યુઆરી મહિનાથી જ ખાતામાં વધારાના પૈસા આવવા લાગશે. ૭મા પગાર પંચ વખતે પણ જાહેરાત જૂન મહિનામાં થઈ હતી અને ત્યારબાદ એરિયર્સ (બાકી રકમ) સાથે પગાર ચૂકવવામાં આવ્યો હતો. આ વખતે પણ એવી ધારણા છે કે ૨૦૨૬ના મધ્ય સુધીમાં વાસ્તવિક પગાર વધારો કર્મચારીઓના બેંક ખાતામાં જમા થવાનું શરૂ થશે.
સરકારની તૈયારી અને ફુગાવાનું પરિબળ
૮મું પગાર પંચ લાગુ કરવા માટે કમિશનને નવેમ્બર ૨૦૨૫થી ૧૮ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. સરકાર મોંઘવારી દર (Inflation), ટેક્સની આવક અને દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેશે. આગામી બજેટમાં પણ આ અંગે મહત્વની જોગવાઈઓ જોવા મળી શકે છે. હાલના તબક્કે કેન્દ્રીય કર્મચારીઓએ થોડી ધીરજ રાખવી પડશે, પરંતુ એટલું ચોક્કસ છે કે ૨૦૨૬નું વર્ષ તેમના માટે આર્થિક સમૃદ્ધિ લઈને આવશે.

(11:28 PM IST)