<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

ટ્રમ્પ સરકારે 'અમેરિકા ફર્સ્ટ' નીતિ અંતર્ગત ૩૦ દેશોમાંથી અમેરિકન રાજદૂતોને પરત બોલાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરમિયાન રાજદ્વારી માળખામાં મોટા ફેરફારો કર્યા છે. 'અમેરિકા ફર્સ્ટ' નીતિને વેગ આપવા માટે લગભગ ૩૦ જેટલા દેશોમાં તૈનાત અમેરિકન રાજદૂતોને તાત્કાલિક અસરથી પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વોશિંગ્ટનથી પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્રે વિદેશમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતા રાજદૂતોની યાદીમાં મોટી કાપકૂપ કરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, લગભગ ૩૦ જેટલા 'કરિયર ડિપ્લોમેટસ' (કારકિર્દી રાજદ્વારીઓ) ને જાન્યુઆરી સુધીમાં તેમના પદ પરથી હટી જવા અને વોશિંગ્ટન પરત ફરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.

 

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે રાષ્ટ્રપતિને એ નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર છે કે વિદેશમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કોણ કરશે અને તે વ્યક્તિ રાષ્ટ્રપતિના એજન્ડા સાથે સુસંગત છે કે કેમ.

 

આ ફેરબદલની સૌથી મોટી અસર આફ્રિકન અને એશિયન દેશો પર જોવા મળી રહી છે:

 

 * આફ્રિકા: અહીં સૌથી વધુ ૧૩ દેશોમાંથી રાજદૂતોને પરત બોલાવાયા છે, જેમાં નાઈજીરિયા, સોમાલિયા, સેનેગલ અને રવાન્ડાનો સમાવેશ થાય છે.

 

 * એશિયા અને પાડોશી દેશો: ભારત માટે મહત્ત્વની બાબત એ છે કે ટ્રમ્પ સરકારે ભારતના પાડોશી દેશો નેપાળ અને શ્રીલંકા માંથી પણ રાજદૂતોને પરત બોલાવ્યા છે. આ ઉપરાંત વિયેતનામ, ફિલિપાઈન્સ અને ફિજી જેવા દેશોનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે.

 

 * યુરોપમાં આર્મેનિયા અને મધ્ય પૂર્વમાં ઈજિપ્ત જેવા દેશોમાંથી પણ રાજદૂતોને પરત બોલાવવામાં આવ્યા છે.

 

નોંધનીય છે કે આ રાજદૂતોને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા નથી, પરંતુ તેમને વિદેશ વિભાગમાં અન્ય જવાબદારીઓ સોંપવામાં આવશે.

(10:26 AM IST)