News of Tuesday, 23rd December 2025
ઈન્કમટેક્સ પોર્ટલની ખામી બદલ કરદાતાઓ પાસેથી વ્યાજ વસૂલવું ગેરવાજબીઃ હાઇકોર્ટ
રિટર્ન ન ભરી શકનારનો ઈરાદો ટેક્સચોરીનો નહોતો, અવલોકન : ૨૦૨૦-૨૧માં પોર્ટલની ખામીને કારણે કરદાતાને નોટિસ ફટકારી હતી

નવી દિલ્હી,તા.૨૩: કોરોનાકાળ અને ઈન્કમટેક્સ પોર્ટલની ટેકનિકલ ખામીઓના કારણે ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં થયેલા વિલંબ બદલ કરદાતાઓને વ્યાજ ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેની સામે હાઈકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. આ પિટિશનમાં વ્યાજ વસૂલાત કરવું યોગ્ય નહીં હોવાનું ગેરવાજબી ઠેરવ્યું હતું.
નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન આવકવેરા વિભાગે પોર્ટલના સંચાલન માટેનો કોન્ટ્રાક્ટ TCS પાસેથી લઈને ઈન્ફોસિસને આપ્યો હતો. આ બદલાવ બાદ પોર્ટલ પર ભારે ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી. તેના કારણે લાખો કરદાતાઓ સમયસર રિટર્ન ફાઈલ કરી શક્યા નહોતા. જોક, CBDTએ મુદત વધારી હતી, પરંતુ કલમ 234A હેઠળ વ્યાજમુક્તિ માત્ર એવા જ કરદાતાઓને આપી જેમની કરપાત્ર રકમ રૂપિયા એક લાખથી ઓછી હતી. એક લાખથી વધુ ટેક્સ ભરનારા કરદાતાઓ પાસેથી વ્યાજ વસૂલાયું હતું. જેને CAAS એ હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે વ્યાજમુક્તિ માટે એક લાખની મર્યાદા નક્કી કરવા પાછળ કોઈ વાજબી કે તાર્કિક આધાર જણાતો નથી.
કોર્ટે CAASને CBDTના સર્ક્યુલરોની કાયદેસરતાને પડકારવા માટે વધારાનું એફિડેવિટ ફાઈલ કરવાની મંજૂરી આપી છે. પોર્ટલ ન ચાલવાના કારણે રિટર્ન ન ભરી શકનાર કરદાતાનો ઈરાદો ટેક્સ ચોરીનો નહોતો, છતાં તેમની પાસેથી વ્યાજ વસૂલવું તે અન્યાયી છે. જો હાઇ કોર્ટનો ચુકાદો કરદાતાઓની તરફેણમાં આવે છે તો ગેરકાયદેસર વસૂલાયેલું કરોડો રૂપિયાનું વ્યાજ પરત મળવાની આશા જાગી છે, કારણ કે ઈન્કમટેક્સ વિભાગે હજારો કરદાતાઓ પાસેથી વ્યાજની વસૂલાત કરી છે. પોર્ટલની ખામી હોવા છતાં કરદાતાનો વાંક કાઢીને ટેક્સ વસૂલાત કરાતા કરદાતાઓને ખોટી રીતે પરેશાન પણ કરવામાં આવ્યા હતા. જેના કારણે જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઇન્કમટેક્સ વિભાગને ફટકાર લગાવીને ખોટી રીતે વ્યાજ વસૂલવામાં આવ્યું હોવાનું પણ નોંધ્યું હતું
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
