<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

હવે ચલણી નોટોમાંથી પણ થશે ગાંધીજીની ‘એક્‍ઝિટ'?

કેરળના સાંસદ જોન બ્રિટાસના દાવાથી રાજકીય ભૂકંપ : ‘ભારત માતા' કે અન્‍ય પ્રતીકોને સ્‍થાન આપવા માટે ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજાઈ હોવાની ચર્ચાએ જગાવી નવી ચર્ચાઓ

નવી દિલ્‍હી, તા.૨૩: ભારતના રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીના વારસાને લઈને દેશમાં ફરી એકવાર મોટો વિવાદ છેડાયો છે. મનરેગા યોજનાનું નામ બદલીને વિજ્ઞાન ભારત ગેરંટી કર્યા બાદ હવે કેરળના CPI(M) સાંસદ જોન બ્રિટાસે એક ચોંકાવનારો દાવો કરીને સનસનાટી મચાવી દીધી છે. બ્રિટાસના જણાવ્‍યા અનુસાર, કેન્‍દ્ર સરકાર ભારતીય ચલણી નોટો પરથી મહાત્‍મા ગાંધીની છબી હટાવવા માટે ગંભીરતાથી વિચાર કરી રહી છે. તેમણે દાવો કર્યો છે કે ભલે આરબીઆઈ આ વાતનો ઇનકાર કરતી હોય, પરંતુ સરકારમાં આ મામલે ઉચ્‍ચ સ્‍તરીય બેઠકોનો પ્રથમ દોર પહેલેથી જ પૂર્ણ થઈ ચૂકયો છે.

આ વિવાદની જડમાં તાજેતરમાં પસાર થયેલું રોજગાર ગેરંટી બિલ છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર રામના નામનો ઉપયોગ કરીને યોજનાનું રાજકારણ કરી રહી છે અને જાણીજોઈને ગાંધીજીનું નામ ભૂંસી રહી છે. સાંસદ બ્રિટાસે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, આ મારું માત્ર અનુમાન નથી, પણ રાષ્‍ટ્રીય પ્રતીકોને ફરીથી લખવાના એક મોટા ષડયંત્રનો ભાગ છે. અહેવાલો મુજબ, ગાંધીજીના સ્‍થાને ભારત માતા અથવા ભારતની સંસ્‍કળતિને પ્રતિબિંબિત કરતા અન્‍ય પ્રતીકોને ચલણી નોટો પર સ્‍થાન આપવા અંગે સરકારમાં મંથન ચાલી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

વર્ષ ૧૯૯૬થી ભારતીય ચલણી નોટો પર ગાંધીજીની છબી કાયમી રીતે અંકિત કરવામાં આવી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને રાજકીય ગલિયારાઓમાં અવારનવાર રવીન્‍દ્રનાથ ટાગોર કે એપીજે અબ્‍દુલ કલામની છબીઓ મૂકવાની માંગ ઉઠતી રહી છે. વર્ષ ૨૦૨૨માં આરબીઆઈએ આવા અહેવાલોને અફવા ગણાવીને ફગાવી દીધા હતા. પરંતુ હવે જ્‍યારે સરકારે મનરેગા જેવી મહત્‍વની યોજનામાંથી ગાંધીજીનું નામ હટાવી દીધું છે, ત્‍યારે વિપક્ષી નેતાઓ માની રહ્યા છે કે આગામી નિશાન ભારતીય ચલણ હોઈ શકે છે.

બીજી તરફ, સરકાર આ નવા બિલને દેશના વિકાસ અને રોજગારમાં ટેકનોલોજીના સમાવેશ માટેનું એક નવું પગલું ગણાવી રહી છે. પરંતુ રાજકીય પંડિતોનું માનવું છે કે જો ચલણી નોટો પરથી ગાંધીજીની છબી હટાવવાનો કોઈ પણ પ્રયાસ થશે, તો તે દેશવ્‍યાપી આંદોલન અને ભાવનાત્‍મક વિવાદમાં પરિણમી શકે છે. હાલમાં તો આ મુદ્દે ભાજપ અને વિપક્ષ વચ્‍ચે શાબ્‍દિક યુદ્ધ છેડાયું છે, જે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા પૂરેપૂરા સંકેતો છે. 

(3:56 PM IST)