<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

સાવધાન! ચોકલેટ અને કોલ્‍ડ્રિંક્‍સમાં છુપાયેલું છે ‘ઝેર': દિલ્‍હીમાં ૧૪,૦૦૦ લિટર નકલી પીણાંનો પર્દાફાશ

માસૂમ બાળકોના હેલ્‍થ ડ્રિંક્‍સ અને બેબી ફૂડ સાથે પણ રમત રમતા સાત આરોપીઓ જેલ ભેગા : એક્‍સપાયરી ડેટ બદલીને મોતનો સામાન વેચતી ગેંગ ઝડપાઈઃ નવા બારકોડ અને નકલી પેકેજિંગનો ખતરનાક ખેલ

નવી દિલ્‍હી, તા.૨૩: રાજધાની દિલ્‍હી અને એનસીઆરના બજારોમાં શુદ્ધતાના નામે મોતનું વેચાણ થઈ રહ્યું હોવાનો એક ભયાનક ખુલાસો થયો છે. દિલ્‍હી પોલીસે એક હાઈ-ટેક ફેક્‍ટરી પર દરોડા પાડીને આશરે ૧૪,૦૦૦ લિટર એક્‍સપાયર થઈ ગયેલા નકલી ઠંડા પીણાંનો જથ્‍થો જપ્ત કર્યો છે. આ માત્ર સામાન્‍ય ભેળસેળ નહોતી, પરંતુ એક સુનિયોજિત ગુનાહિત નેટવર્ક હતું. આ ટોળકી કંપનીઓના જૂના અને ફેંકી દેવા લાયક માલને સસ્‍તા ભાવે ખરીદી લાવતી હતી અને ત્‍યારબાદ આધુનિક મશીનો દ્વારા તેની એક્‍સપાયરી ડેટ ભૂંસીને તેના પર નવી તારીખ અને નકલી બારકોડ છાપીને તેને બજારમાં તાજો માલ ગણાવીને વેચતી હતી.

પોલીસ જ્‍યારે ફેક્‍ટરીમાં તપાસ કરવા પહોંચી ત્‍યારે ત્‍યાંના દ્રશ્‍યો જોઈને અધિકારીઓ પણ હબક ખાઈ ગયા હતા. મશીનો ધડાધડ નકલી બારકોડ જનરેટ કરી રહ્યા હતા અને વર્ષો જૂના કોલ્‍ડ્રિંક્‍સને નવી બોટલોમાં ભરીને આકર્ષક પેકેજિંગ કરવામાં આવી રહ્યું હતું. સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ હતી કે, આ નરાધમોએ માસૂમ બાળકોને પણ છોડ્‍યા નહોતા. ફેક્‍ટરીમાંથી મોટી માત્રામાં એક્‍સપાયર થયેલું બેબી ફૂડ, નકલી ચોકલેટ અને બાળકોના સ્‍વાસ્‍થ્‍ય વર્ધક ગણાતા પીણાં મળી આવ્‍યા છે. વાલીઓ જે વસ્‍તુઓ ભરોસા સાથે બાળકોને ખવડાવતા હતા, તે ખરેખર તેમના સ્‍વાસ્‍થ્‍ય માટે ગંભીર જોખમ સમાન હતી.

તપાસમાં જાણવા મળ્‍યું છે કે આ ગેંગ માત્ર દિલ્‍હી જ નહીં પણ પડોશી રાજ્‍યોના જથ્‍થાબંધ બજારોમાં પણ પોતાનું નેટવર્ક ફેલાવી ચુકી હતી. અગાઉ વઝીરાબાદમાં પકડાયેલી નકલી ટૂથપેસ્‍ટ અને ચ્‍ફબ્‍ બનાવતી ફેક્‍ટરીઓ સાથે પણ આ ગેંગના તાર જોડાયેલા હોવાની શંકા છે. આ ગેંગ એવા ઉત્‍પાદનો બનાવતી હતી કે જેનો ઉપયોગ કરવાથી દાંતમાં સડો થવો, પેટમાં અસહ્ય બળતરા થવી અને બાળકોમાં ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર સમસ્‍યાઓ સર્જાતી હતી. પોલીસે અત્‍યાર સુધીમાં સાત મુખ્‍ય સૂત્રધારોની ધરપકડ કરી છે અને આ ઝેરી માલ કયાં કયાં સપ્‍લાય થયો છે તેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

આ કાર્યવાહીએ ઓનલાઇન અને ઓફલાઇન શોપિંગ કરતા ગ્રાહકો માટે લાલબત્તી સમાન કિસ્‍સો રજૂ કર્યો છે. આરોગ્‍ય નિષ્‍ણાતો ચેતવણી આપી રહ્યા છે કે બારકોડ કે પેકેજિંગ અસલી દેખાતું હોવા છતાં, જો વસ્‍તુના સ્‍વાદ કે વાસમાં થોડો પણ ફેરફાર લાગે તો તેનો ઉપયોગ ટાળવો જોઈએ. દિલ્‍હી પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે અન્‍ય રાજ્‍યોની પોલીસ સાથે પણ સંપર્કમાં છે. આ કૌભાંડ સાબિત કરે છે કે નફો કમાવવાની લાલચમાં અમુક તત્‍વો લોકોના, ખાસ કરીને બાળકોના જીવન સાથે રમત રમતા પણ ખચકાતા નથી. 

 

 

(4:01 PM IST)