News of Tuesday, 23rd December 2025
ભારત-ન્યુઝીલેન્ડ FTA: હવે કીવી લેન્ડમાં ગુંજશે ભારતીય પ્રતિભાનો ડંકો, આઈટીથી લઈને ફેશન સુધી ખુલશે તકોના અસંખ્ય દ્વાર
મુક્ત વેપાર કરારના પગલે ઉચ્ચ કુશળ ભારતીય વ્યાવસાયિકો માટે પ્રગતિના નવા આકાશ ખૂલશે; આગામી વર્ષથી અમલીકરણની શક્યતા

ઓકલેન્ડ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સંબંધોમાં હવે એક નવો સુવર્ણ અધ્યાય લખાવા જઈ રહ્યો છે. તાજેતરમાં સંપન્ન થયેલ ભારત-ન્યુઝીલેન્ડ મુક્ત વેપાર કરાર (FTA) માત્ર વેપાર જ નહીં, પરંતુ ભારતીય પ્રતિભાઓ માટે વિદેશી ધરતી પર પ્રગતિના દ્વાર ખોલનારો સાબિત થશે. ઓકલેન્ડમાં વસતા ભારતીય સમુદાયમાં આ કરારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ કરારથી આઈટી, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને ફેશન જેવા ક્ષેત્રોમાં ભારતીય કુશળતાને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે.
સેવા ક્ષેત્રમાં આવશે ક્રાંતિ
આ કરારની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર માલસામાન પૂરતો મર્યાદિત નથી. ઓકલેન્ડના ટેક એક્સપર્ટ્સ માને છે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ અને ડિજિટલ સોલ્યુશન્સમાં ભારતની વૈશ્વિક પકડ અને ન્યુઝીલેન્ડની વિશિષ્ટ ટેલેન્ટની માંગ વચ્ચે આ FTA એક મજબૂત કડી બનશે. કમ્પ્યુટર એન્જિનિયર રાની સિંહના જણાવ્યા અનુસાર, આ કરારથી ટેક કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સ માટે બંને દેશોમાં કામ કરવું એકદમ સરળ બની જશે.
ડિઝાઇન અને સંસ્કૃતિનો અનોખો સંગમ
ફેશન જગતમાં પણ આની લહેર જોવા મળશે. ફેશન ડિઝાઇનર શાલિની આલોક કહે છે કે ભારત પાસે જે પરંપરાગત કારીગરી છે અને ન્યુઝીલેન્ડ પાસે જે આધુનિક 'સસ્ટેનેબલ ફેશન'નો અભિગમ છે, તેનું મિશ્રણ આંતરરાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવશે. હવે નાના ડિઝાઇનરો પણ મોટા ટેક્સના બોજ વગર ન્યુઝીલેન્ડના બજારમાં પોતાનું સ્થાન બનાવી શકશે.
રોકાણ અને રોજગારની વણઝાર
આ કરાર હેઠળ આગામી ૧૫ વર્ષમાં અંદાજે USD ૨૦ બિલિયનનું રોકાણ આવવાની ધારણા છે. ભારતને ટાપુ રાષ્ટ્રના બજારોમાં ટેરિફ-મુક્ત પ્રવેશ મળવાની સાથે-સાથે ભારતીય વ્યાવસાયિકો માટે કામચલાઉ રોજગાર વિઝા મેળવવા પણ સરળ બનશે. ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ સાધનોના વેપારમાં રહેલી જટિલતાઓ દૂર થતા ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે.
ટેકનોલોજી અને ફૂડ પ્રોસેસિંગમાં નવો વેગ
એન્જિનિયરિંગ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે ન્યુઝીલેન્ડની ડેરી અને ફૂડ પેકેજિંગ ટેકનોલોજી ભારત માટે વરદાન સાબિત થશે. સિનિયર એન્જિનિયર અમિત સિંહના મતે, ભારત જે રીતે તેના ખાદ્ય ક્ષેત્રનું આધુનિકીકરણ કરી રહ્યું છે, તેમાં ન્યુઝીલેન્ડની ઓટોમેશન સિસ્ટમ અને ખાદ્ય સુરક્ષાના ધોરણો ભારતીય ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.
સ્થાનિક મંજૂરીઓ મળ્યા બાદ આ ઐતિહાસિક કરાર આગામી વર્ષથી અમલી બને તેવી પૂરેપૂરી શક્યતા છે, જે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના આર્થિક સેતુને વધુ મજબૂત બનાવશે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
