News of Tuesday, 23rd December 2025
જાપાનમાં નોકરીના સપના જોનારાઓ સાવધાન! 2027થી બદલાશે વિદેશી કામદારો માટેના નિયમો, સરકારે નક્કી કરી નવી ‘લક્ષ્મણ રેખા’
વધતી વસ્તી અને મજૂરોની અછત વચ્ચે જાપાનનો મોટો નિર્ણય: 'ટેકનિકલ ઇન્ટર્ન' પ્રોગ્રામ બંધ કરી હવે 'કૌશલ્ય વિકાસ' પર અપાશે ભાર

ટોક્યો : ઉગતા સૂર્યના દેશ જાપાનમાં જઈને કારકિર્દી બનાવવા ઈચ્છતા ભારતીયો સહિતના વિદેશી યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જાપાન સરકાર વર્ષ 2027 થી તેની વિદેશી શ્રમ પ્રણાલીમાં ધરખમ ફેરફાર કરવા જઈ રહી છે. નવા નિયમો હેઠળ, જાપાન સરકારે વિદેશી કામદારોની સંખ્યા પર મર્યાદા નક્કી કરી છે, જેમાં પ્રથમ બે વર્ષ માટે આ આંકડો 4,26,000 સુધી મર્યાદિત રાખવાની યોજના છે.
જૂની સિસ્ટમની વિદાય, નવા યુગની શરૂઆત
જાપાન અત્યાર સુધી ચાલતા 'ટેકનિકલ ઇન્ટર્ન તાલીમ કાર્યક્રમ'ને સંપૂર્ણપણે નાબૂદ કરી રહ્યું છે. આ સિસ્ટમ પર ઓછા વેતન અને કામદારોના શોષણના આરોપો લાગતા રહ્યા હતા. તેના સ્થાને હવે 'રોજગાર ફોર સ્કીલ ડેવલપમેન્ટ' નામનો નવો કાર્યક્રમ અમલમાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ વિદેશી કામદારોને માત્ર મજૂરી પૂરતા સીમિત ન રાખીને, તેમને કુશળ બનાવીને લાંબા સમય સુધી જાપાનમાં રોકાવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ત્રણ વર્ષની મહેનત અને કાયમી વસવાટની તક
નવી પ્રણાલી મુજબ, જો કોઈ વિદેશી કામદાર જાપાનમાં ત્રણ વર્ષ સફળતાપૂર્વક કામ પૂર્ણ કરે છે, તો તેને 'ચોક્કસ કુશળ કાર્યકર' (Specified Skilled Worker) નો દરજ્જો આપવામાં આવશે. આ દરજ્જો મળ્યા પછી કામદારો જાપાનમાં લાંબો સમય રહી શકશે અને અમુક કિસ્સામાં તો કાયમી રહેઠાણ (Permanent Residency) ના દ્વાર પણ ખુલી શકે છે.
કયા ક્ષેત્રોમાં ખુલશે તકો?
જાપાન સરકારના ડ્રાફ્ટ પ્લાન મુજબ, નવો તાલીમ કાર્યક્રમ કૃષિ, બાંધકામ અને ઉત્પાદન સહિતના 17 મહત્વના ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવશે. સરકારે માર્ચ 2029 સુધીમાં અંદાજે 8,05,000 કુશળ કામદારોને સ્વીકારવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સંખ્યા અગાઉના અંદાજ કરતા થોડી ઓછી છે કારણ કે જાપાન હવે મેન્યુઅલ લેબરને બદલે ડિજિટલ ટેકનોલોજી અને ઓટોમેશન દ્વારા ઉત્પાદકતા વધારવા પર ભાર મૂકી રહ્યું છે.
જાહેર ચિંતા અને જરૂરિયાત વચ્ચે સંતુલન
વડા પ્રધાન સના તાકાઈચીના નિર્દેશો હેઠળ તૈયાર કરાયેલી આ નીતિ પાછળનું મુખ્ય કારણ જાપાનની વૃદ્ધ થતી વસ્તી અને કામદારોની ભારે અછત છે. જોકે, બીજી તરફ ઇમિગ્રેશનને કારણે સ્થાનિક સંસ્કૃતિ અને સુરક્ષા પર થતી અસર અંગે પણ જાપાની પ્રજામાં ચિંતા છે. આથી, સરકારે વિઝા ઓવરસ્ટે (નક્કી કરેલા સમય કરતા વધુ રોકાવું) રોકવા માટે કડક જોગવાઈઓ સાથે આ નવું માળખું તૈયાર કર્યું છે.
આગામી જાન્યુઆરી મહિનામાં કેબિનેટની બેઠકમાં આ યોજનાને અંતિમ મંજૂરી મળે તેવી પ્રબળ શક્યતા છે. જો તમે પણ જાપાનમાં કામ કરવા ઈચ્છતા હોવ, તો હવે માત્ર અનુભવ જ નહીં પણ 'સ્પેશિયલ સ્કિલ' પર ધ્યાન આપવું અનિવાર્ય બનશે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
