<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

ભારત-કતારના સંબંધોમાં નવું પ્રકરણ: ઈશા અંબાણી અને શેખા અલ માયાસા વચ્ચે ઐતિહાસિક કરાર, બાળકોના ભવિષ્ય માટે NMACC અને કતાર મ્યુઝિયમ મિલાવશે હાથ

પાંચ વર્ષની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ મ્યુઝિયમ-આધારિત શિક્ષણમાં આવશે ક્રાંતિ; આંગણવાડીથી લઈને ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચશે વૈશ્વિક શિક્ષણ પદ્ધતિ

દોહા : ભારત અને કતાર વચ્ચેના સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંબંધો હવે એક નવી ઊંચાઈ પર પહોંચ્યા છે. મુંબઈના સુપ્રસિદ્ધ 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર' (NMACC) અને 'કતાર મ્યુઝિયમ્સ' (QM) વચ્ચે પાંચ વર્ષના મહત્વના વ્યૂહાત્મક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોના બાળકો માટે મ્યુઝિયમ-આધારિત આધુનિક શિક્ષણ કાર્યક્રમો વિકસાવવાનો અને શિક્ષકોને નવીન પદ્ધતિઓથી સજ્જ કરવાનો છે.
બે દિગ્ગજ મહિલાઓનું વિઝન
દોહામાં કતારના રાષ્ટ્રીય સંગ્રહાલય ખાતે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર ઈશા અંબાણી અને કતાર મ્યુઝિયમના ચેરપર્સન મહામહિમ શેખા અલ માયાસા બિંત હમદ બિન ખલીફા અલ થાનીએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, "શિક્ષણ એ છે જ્યાં સંભાવનાઓ વાસ્તવિક બને છે. આ ભાગીદારી દ્વારા અમે એવા નવા શૈક્ષણિક સ્વરૂપો લાવવા માંગીએ છીએ જે દરેક બાળકને હિંમતભેર સ્વપ્ન જોવા અને આત્મવિશ્વાસ સાથે શીખવા માટે સક્ષમ બનાવે."
રમત-ગમત અને અનુભવ દ્વારા શિક્ષણ
આ પાંચ વર્ષના પ્રોગ્રામ હેઠળ, શૈક્ષણિક કાર્યક્રમોને એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે જેથી બાળકો રમત-ગમત અને અનુભવ દ્વારા શીખી શકે. ખાસ કરીને 'દાદુ ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ'ના નિષ્ણાતો ભારતીય શિક્ષકો, સ્વયંસેવકો અને આંગણવાડી કાર્યકરો માટે માસ્ટરક્લાસનું આયોજન કરશે. આનો સીધો લાભ શાળાઓ અને સમુદાય શિક્ષણ કેન્દ્રોને મળશે.
ભારતના ગામડાઓ સુધી પહોંચશે ગ્લોબલ આઈડિયાઝ
NMACC આ કાર્યક્રમોને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળીને ભારતના વિવિધ પ્રદેશોમાં અમલી બનાવશે. આ ભાગીદારી માત્ર શહેરો પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં પણ સર્જનાત્મકતા અને સહાનુભૂતિ કેળવતા શિક્ષણ મોડલ્સ પહોંચાડવામાં આવશે. શેખા અલ માયાસાએ પણ ભારત સાથેના આ મજબૂત સાંસ્કૃતિક વારસાને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો.
સાંસ્કૃતિક આદાન-પ્રદાનનો નવો સેતુ
આ કરાર કતાર નેશનલ વિઝન 2030 અને NMACC ના 'ભારતના સમૃદ્ધ વારસાને વિશ્વ સાથે શેર કરવા'ના મિશનને જોડે છે. આગામી પાંચ વર્ષોમાં બંને દેશોમાં અનેક સંયુક્ત પ્રદર્શનો અને તાલીમ શિબિરોનું આયોજન થશે, જે ભારત અને કતારના યુવા માનસને વૈશ્વિક કક્ષાના શિક્ષણ અને સંસ્કૃતિ સાથે જોડશે.

(7:18 PM IST)