<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

તેલના ખેલમાં ડ્રાઈવર જેલના સળિયા પાછળ! કોલકાતાથી ૨૪ ટન ઓઈલ ભરેલું ટેન્કર ગાયબ કરનાર આરોપીની બિહારથી ધરપકડ

૫ ઓગસ્ટથી ફરાર ડ્રાઈવરને પોલીસે મોબાઈલ લોકેશન દ્વારા દબોચ્યો; ટેન્કર તો મળી આવ્યું પણ ૧૬ ટન તેલ સગેવગે કરી નાખતા પોલીસ સક્રિય

નવાદા  : કોલકાતાથી ૨૪ ટન તેલ ભરેલું ટેન્કર લઈને ફરાર થઈ ગયેલા ડ્રાઈવરનો અંતે પર્દાફાશ થયો છે. કોલકાતા પોલીસે બિહારના નવાદા જિલ્લાના પાકરીબરાવન પોલીસ સ્ટેશન વિસ્તારના બરડીહા ગામમાં દરોડો પાડીને મુખ્ય આરોપી રાજેશ કુમારની ધરપકડ કરી છે. આ ડ્રાઈવર છેલ્લા ચાર મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો, પરંતુ ઘરના મોહે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
શું હતો આખો મામલો?
ઘટનાની વિગતો મુજબ, ૫ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કોલકાતાના ભવાનીપુર પોલીસ સ્ટેશનમાં ટેન્કર માલિકે ફરિયાદ નોંધાવી હતી કે તેનું ૨૪ ટન તેલ ભરેલું ટેન્કર ગાયબ છે. પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ઝારખંડના દુમકા જિલ્લાના જામા વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ટેન્કર મળી આવ્યું હતું. જોકે, પોલીસ ત્યારે ચોંકી ઉઠી જ્યારે તપાસમાં જાણવા મળ્યું કે ટેન્કરમાં ૨૪ ટન તેલને બદલે માત્ર ૮ ટન તેલ જ બાકી હતું. બાકીનું ૧૬ ટન તેલ ડ્રાઈવર રસ્તામાં જ ક્યાંક સગેવગે કરી નાસી છૂટ્યો હતો.
મોબાઈલ લોકેશને ખેલ બગાડ્યો
કોલકાતા પોલીસના સાર્જન્ટ સોમન દાસના જણાવ્યા અનુસાર, આરોપી રાજેશ કુમારનો મોબાઈલ સતત ટ્રેક કરવામાં આવી રહ્યો હતો. લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ, જેવો તે પોતાના વતન બરડીહા ગામ આવ્યો કે તરત જ પોલીસને લોકેશન મળી ગયું. કોલકાતા પોલીસે સ્થાનિક પાકરીબરાવન પોલીસ અને તાલીમાર્થી ડીએસપી પૌરુષ અગ્રવાલની મદદથી ફિલ્મી ઢબે દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો.
કોલકાતા પોલીસના હવાલે આરોપી
સ્થાનિક પોલીસ મથકે જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપી રાજેશ કુમારને કોલકાતા પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ડ્રાઈવરે ૧૬ ટન તેલ કોને વેચ્યું અને આ કૌભાંડમાં તેની સાથે અન્ય કોઈ ગેંગ સામેલ છે કે કેમ. તેલ ચોરીનો આ કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

(7:26 PM IST)