<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

ડિજિટલ યુગમાં મધ્યયુગીન માનસિકતા! રાજસ્થાનના ૧૫ ગામોમાં મહિલાઓ માટે સ્માર્ટફોન પર પ્રતિબંધ, પંચાયતે બહાર પાડ્યું વિચિત્ર ‘હુકમનામું’

નવપરિણીત દુલ્હન હોય કે દીકરી, હવે હાથમાં નહીં પકડી શકે કેમેરાવાળો ફોન; ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી, જાણો કેમ લેવાયો આ વિવાદાસ્પદ નિર્ણય

જાલોર  : એકતરફ દેશ ડિજિટલ ઇન્ડિયા અને મહિલા સશક્તિકરણની વાતો કરી રહ્યો છે, ત્યારે રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી સ્ત્રી સ્વતંત્રતા પર તરાપ મારતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાલોરના ૧૫ ગામોની 'ચૌધરી સમુદાય પરિષદ' દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેણે સમગ્ર રાજ્યમાં વિવાદ છેડ્યો છે. પંચાયતના નવા હુકમનામા મુજબ, હવે મહિલાઓ અને યુવતીઓ ઇન્ટરનેટ કે કેમેરાવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે નહીં.
માત્ર કીપેડ ફોન વાપરવાની મંજૂરી
રવિવારે ગાઝીપુર ગામમાં મળેલી સમુદાયની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, ૧૫ ગામોની પુત્રવધૂઓ અને દીકરીઓએ ૨૬ જાન્યુઆરીથી સ્માર્ટફોનનો ત્યાગ કરવો પડશે. પંચાયતે આદેશ આપ્યો છે કે મહિલાઓ માત્ર સાદા 'કીપેડ' ફોનનો ઉપયોગ કરી શકશે, જેથી તેઓ માત્ર વાતચીત કરી શકે. સામાજિક મેળાવડા, લગ્નો કે પાડોશીના ઘરે પણ સ્માર્ટફોન લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
આંખોને નુકસાનની વિચિત્ર દલીલ
આ નિર્ણય પાછળ સમુદાયના પ્રમુખોએ એવી દલીલ કરી છે કે સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગથી બાળકો અને મહિલાઓની આંખો પર નકારાત્મક અસર પડે છે. આ સાથે તેને કૌટુંબિક સુરક્ષા અને સામાજિક ગૌરવ સાથે પણ જોડવામાં આવ્યો છે. જોકે, વિદ્યાર્થીનીઓને થોડી રાહત આપતા કહેવાયું છે કે જો અભ્યાસ માટે ફોન અનિવાર્ય હોય, તો તેઓ માત્ર ઘરની અંદર જ તેનો ઉપયોગ કરી શકશે.
કયા ગામોમાં લાગુ થશે આ નિયમ?
આ આદેશ ભીનમલ વિસ્તારના ગાઝીપુરા, પાવલી, કાલદા, મનોજિયાવાસ, રાજિકાવાસ, દતલાવાસ, રાજપુરા, કોડી, સિદ્રોડી, આલ્ડી, રોપ્સી, ખાનદેવલ, સવિધર, હાથમી કી ધાની અને ખાનપુર ગામોમાં લાગુ કરવામાં આવ્યો છે. પંચાયતના આ આદેશ બાદ સોશિયલ મીડિયા પર તેનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે.
સ્વતંત્રતા પર તરાપ કે સામાજિક સુધારો?
આ નિર્ણયે મહિલાઓના બંધારણીય અધિકારો અને વ્યક્તિગત સ્વતંત્રતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું આજના જમાનામાં ટેકનોલોજીથી મહિલાઓને વંચિત રાખવી યોગ્ય છે? શું પંચાયતો આ રીતે કોઈની અંગત લાઈફમાં હસ્તક્ષેપ કરી શકે? આ મામલો હવે માનવ અધિકાર અને કાયદાકીય પાસાઓ તરફ વળી રહ્યો છે.
રાજસ્થાનના આ રુઢિચુસ્ત નિર્ણયે ફરી એકવાર સાબિત કર્યું છે કે ભલે ટેકનોલોજી બદલાય, પણ સમાજની કેટલીક માનસિકતા બદલવામાં હજુ પણ લાંબો સમય લાગશે.

(7:27 PM IST)