<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલીમાં મોટો વધારો: ચીની વિઝા કૌભાંડમાં કોર્ટે નક્કી કર્યા ભ્રષ્ટાચારના આરોપ, ₹૫૦ લાખની લાંચનો છે મામલો

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટનું કડક વલણ: ૨૬૩ ચીની નાગરિકોને ગેરકાયદેસર વિઝા અપાવવાના કેસમાં સાંસદ અને તેમના CA સામે ચાલશે કેસ

નવી દિલ્હી  : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ માટે કાયદાકીય મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. મંગળવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ચર્ચિત 'ચીની વિઝા કૌભાંડ' સંબંધિત CBI કેસમાં કાર્તિ ચિદમ્બરમ સામે ભ્રષ્ટાચારના આરોપો ઘડ્યા છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે તેમની સામે વિધિવત રીતે ટ્રાયલ શરૂ થશે, જે કાર્તિ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
શું છે ૨૦૧૧નું આ હાઈ-પ્રોફાઈલ કૌભાંડ?
આ સમગ્ર મામલો વર્ષ ૨૦૧૧નો છે, જ્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી અને પી. ચિદમ્બરમ દેશના ગૃહમંત્રી હતા. CBIનો આરોપ છે કે પંજાબમાં વેદાંત ગ્રુપની કંપની 'તલવંડી સાબો પાવર લિમિટેડ' (TSPL) ના પાવર પ્રોજેક્ટ માટે નિર્ધારિત મર્યાદા કરતા વધુ ચીની નાગરિકોને વિઝા આપવામાં આવ્યા હતા. નિયમોને નેવે મૂકીને કુલ ૨૬૩ ચીની કામદારોને ભારતમાં પ્રવેશ અપાવવા માટે સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો એજન્સીએ કર્યો છે.
₹૫૦ લાખની લાંચ અને CAની સંડોવણી
તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, નિર્ધારિત મર્યાદાથી વધુ ચીની કામદારો માટે વિઝા મેળવવાના બદલામાં કંપનીએ કાર્તિ ચિદમ્બરમ અને તેમના નજીકના સહયોગી તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) એસ. ભાસ્કર રમનને અંદાજે ₹૫૦ લાખની લાંચ આપી હતી. કોર્ટે આ કેસમાં કાર્તિની સાથે સાથે એસ. ભાસ્કર રમન સામે પણ આરોપો ઘડ્યા છે.
૧૬ જાન્યુઆરીએ હવે 'અગ્નિપરીક્ષા'
રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો અને પુરાવાઓને પ્રાથમિક દ્રષ્ટિએ ગ્રાહ્ય રાખ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં પૂરતા પુરાવા છે કે જેના આધારે સુનાવણી આગળ વધારી શકાય. હવે આ હાઈ-પ્રોફાઈલ કેસની આગામી સુનાવણી ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ થશે.
આ કિસ્સાએ ફરી એકવાર રાજકીય વર્તુળોમાં સનસનાટી મચાવી દીધી છે. વિદેશી કામદારોના વિઝા અને લાંચના આ ગંભીર આરોપોમાં હવે કોર્ટનો ચુકાદો શું આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

(7:27 PM IST)