<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

PF ધારકો માટે મોટા સમાચાર: EPFO 3.0 અંતર્ગત નિયમોમાં થયા ૧૧ મોટા ફેરફારો; હવે લગ્ન, શિક્ષણ અને ઘર માટે પૈસા ઉપાડવા બન્યા વધુ સરળ!

કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં લેવાયો મહત્વનો નિર્ણય; જાણો ક્યારથી મળશે ૧૦૦% રકમ અને કયા સંજોગોમાં વધી ગયો વેઈટિંગ પીરિયડ

નવી દિલ્હી  : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના સબસ્ક્રાઇબર્સ માટે નવા વર્ષની મોટી ભેટ આપતા 'EPFO 3.0' સિસ્ટમ લોન્ચ કરી છે. આ નવા અપગ્રેડેડ સિસ્ટમ હેઠળ પીએફના પૈસા ઉપાડવાના (Partial Withdrawal) નિયમોમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે. ૧૩ ઓક્ટોબરે મળેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયો હવે અમલી બન્યા છે, જેનો સીધો ફાયદો કરોડો ખાનગી કર્મચારીઓને થશે.
બેરોજગારી અને પેન્શન ઉપાડના નવા નિયમો
જો તમે નોકરી છોડી હોય તો હવે પીએફના પૈસા ઉપાડવાના નિયમો બદલાયા છે. નવા નિયમ મુજબ, એક મહિનાની બેરોજગારી બાદ તમે તરત જ ૭૫% રકમ ઉપાડી શકશો. પરંતુ, ૧૦૦% રકમ ઉપાડવા માટે હવે ૧૨ મહિનાની સતત બેરોજગારી અનિવાર્ય છે. સૌથી મોટો ફેરફાર પેન્શનની રકમમાં છે; હવે પેન્શનના પૈસા ઉપાડવા માટે તમારે ૩૬ મહિના (૩ વર્ષ) સુધી રાહ જોવી પડશે, જે અગાઉ માત્ર ૨ મહિના હતી.
લગ્ન અને શિક્ષણ માટે મોટી રાહત
EPFO એ કર્મચારીઓની સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિધ્રોઅલની મર્યાદા વધારી છે. હવે શિક્ષણ માટે તમે ૧૦ વાર સુધી અને લગ્ન પ્રસંગ માટે ૫ વાર સુધી પીએફમાંથી આંશિક રકમ ઉપાડી શકશો. અગાઉ આ મર્યાદા ઘણી ઓછી હતી.
ઘર અને મેડિકલ સારવાર માટે એકસમાન નિયમ
EPFO 3.0 હેઠળ હવે ઘર ખરીદવા, પ્લોટ લેવા કે મકાન બનાવવા માટે કોઈપણ પ્રકારના વિધ્રોઅલ માટે ઓછામાં ઓછી ૧૨ મહિનાની સેવા (નોકરી) પૂર્ણ કરવી જરૂરી છે. મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં પણ આ ૧૨ મહિનાનો નિયમ લાગુ પડશે. જોકે, ગંભીર બીમારીના કિસ્સામાં કર્મચારી તેના ૬ મહિનાના પગાર જેટલી રકમ ઉપાડી શકશે.
ડિજિટલ પ્રોસેસિંગથી કામ થશે ઝડપી
નવી સિસ્ટમની સૌથી મોટી ખાસિયત તેની ડિજિટલ સ્પીડ છે. હાઉસિંગ લોનના હપ્તા ચૂકવવા કે નવું ઘર ખરીદવા માટે હવે પ્રોસેસિંગ સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનાવવામાં આવ્યું છે. આનાથી ક્લેમ સેટલમેન્ટના દિવસોમાં મોટો ઘટાડો થશે.
કુદરતી આફત કે કંપની બંધ થવાના કિસ્સામાં પણ હવે કર્મચારી પોતાના ફંડના ૭૫% સુધીના નાણાં સરળતાથી મેળવી શકશે, જે મુશ્કેલ સમયમાં મોટી આર્થિક મદદ પૂરી પાડશે.

(7:33 PM IST)