<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

ભારતીય કુસ્તીના મેદાનમાં ફરી જામશે જંગ! ૭ વર્ષના લાંબા વિરામ બાદ પ્રો રેસલિંગ લીગનું ધમાકેદાર પુનરાગમન; નવો લોગો થયો લોન્ચ

જાન્યુઆરી ૨૦૨૬ થી શરૂ થશે કુસ્તીનો મહાકુંભ; આધુનિક લોગોમાં જોવા મળી શક્તિ અને ગતિશીલતાની ઝલક, દેશ-વિદેશના દિગ્ગજ પહેલવાનો અખાડામાં ઉતરશે

નવી દિલ્હી : ભારતીય કુસ્તી પ્રેમીઓ માટે ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. સાત વર્ષના લાંબા વિરામ બાદ, 'પ્રો રેસલિંગ લીગ' (PWL) તેની પાંચમી સીઝન સાથે ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે સજ્જ છે. જાન્યુઆરી ૨૦૨૬માં શરૂ થનારી આ લીગ પહેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રો રેસલિંગ લીગનો નવો સત્તાવાર લોગો રજૂ કરવામાં આવ્યો છે.
પરંપરા અને આધુનિકતાનો સંગમ
પીડબલ્યુએલનો નવો લોગો કુસ્તીની પરંપરાગત લાલ અને વાદળી મેટથી પ્રેરિત છે. આ લોગો શક્તિ, સંતુલન અને રમતગમતની સ્પર્ધાત્મક ભાવનાનું પ્રતીક છે. લીગના સીઈઓ અખિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ નવો લોગો પ્રો રેસલિંગ લીગના ભવિષ્યના વિઝનને પ્રતિબિંબિત કરે છે, જે આધુનિક, આક્રમક અને વિશ્વ કક્ષાનું છે. આ લોગો માત્ર ચિહ્ન નથી, પરંતુ લીગમાં કરવામાં આવેલા મોટા માળખાકીય ફેરફારો અને નવી શરૂઆતનો પુરાવો છે.
વૈશ્વિક મંચ પર ભારતીય શક્તિ
આગામી ૨૦૨૬ની સીઝનમાં ભારતની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના ટોચના કુસ્તીબાજો પણ ભાગ લેવાના છે. લીગનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ગ્રાસરુટ એટલે કે ગ્રામીણ વિસ્તારોના અખાડાઓમાં છુપાયેલી પ્રતિભાને વૈશ્વિક સ્પર્ધાત્મક મંચ પૂરો પાડવાનો છે. નવી માલિકી અને નવા સંચાલન હેઠળ, લીગને સંપૂર્ણપણે 'ઓવરહોલ' કરવામાં આવી છે જેથી કુસ્તીબાજોને વિશ્વ કક્ષાનું પ્રોફેશનલ પ્લેટફોર્મ મળી શકે.
૭ વર્ષનો વિરામ હવે અંત તરફ
પ્રો રેસલિંગ લીગની છેલ્લી સીઝન બાદ લાંબા સમય સુધી ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે નવા લોગો સાથે લીગના પુનરુત્થાનનો સંકેત મળ્યો છે, ત્યારે ખેલાડીઓ અને પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૬માં યોજાનારી આ ટુર્નામેન્ટ ભારતમાં કુસ્તીના નવા યુગની શરૂઆત માનવામાં આવે છે.

(7:42 PM IST)