News of Tuesday, 23rd December 2025
પાકિસ્તાનમાં મૌલાનાએ કર્યા આકરા પ્રહાર : આર્મી ચીફ અસીમ મુનીરને અરીસો બતાવતા પૂછ્યું - "જો આપણે અફઘાનિસ્તાનમાં હુમલો કરી શકીએ, તો ભારત આપણને કેમ ન મારી શકે?"
કરાચીના લ્યારીમાં યોજાયેલી સભામાં જમિયત ઉલેમા-એ-ઈસ્લામના વડાએ પાકિસ્તાની સેનાના બેવડા વલણનો પર્દાફાશ કર્યો અને ઓપરેશન સિંદૂર તેમજ ભારતના સર્જિકલ સ્ટ્રાઈકના દાવાઓને સમર્થન આપ્યું

કરાચી: પાકિસ્તાની રાજકારણના સૌથી અનુભવી અને પ્રભાવશાળી નેતા મૌલાના ફઝલુર રહેમાને કરાચીના લ્યારીમાં એક એવી ગર્જના કરી છે, જેના પડઘા ઈસ્લામાબાદથી લઈને રાવલપિંડીના આર્મી હેડક્વાર્ટર સુધી સંભળાઈ રહ્યા છે. મૌલાનાએ સીધો જ આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને શાહબાઝ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પાકિસ્તાની સેનાનો દંભ હવે દુનિયાની સામે ખુલ્લો પડી ગયો છે. તેમણે અત્યંત આકરા શબ્દોમાં સવાલ કર્યો કે, જો પાકિસ્તાન અફઘાનિસ્તાનની ધરતી પર જઈને આતંકવાદીઓને મારવાની પોતાની કાર્યવાહીને નૈતિક રીતે સાચી ઠેરવતું હોય, તો ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને કરેલા આતંકવાદી સફાયા સામે વાંધો ઉઠાવવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી.
લ્યારીના ઐતિહાસિક મેદાનમાં આયોજિત 'મજલિસ-એ-ઈત્તેહાદ-એ-ઉમ્મત'ની સભામાં મૌલાનાએ પાકિસ્તાનની વિદેશ નીતિના ચીંથરા ઉડાવી દીધા હતા. તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભારત જ્યારે બહાવલપુર અને મુરીદકેમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કરીને પોતાના જવાનોના મોતનો બદલો લેવાની વાત કરે છે, ત્યારે પાકિસ્તાની સેના તેને કેમ નકારી શકતી નથી? મૌલાનાના આ નિવેદને પાકિસ્તાની મીડિયામાં હડકંપ મચાવી દીધો છે, કારણ કે અત્યાર સુધી પાકિસ્તાની સેના અને સરકાર ભારતના આવા કોઈપણ હુમલા કે સર્જિકલ સ્ટ્રાઈકને નકારતી આવી છે, પરંતુ હવે તેમના જ કદાવર નેતાએ આ દાવાઓને સત્ય જાહેર કર્યા છે.
મૌલાના ફઝલુર રહેમાન, જેઓ અફઘાન તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ સાથે સીધી મુલાકાત કરનારા એકમાત્ર પાકિસ્તાની નેતા છે, તેમણે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન પોતાની અફઘાન નીતિ અને ભારત પ્રત્યેના વલણમાં સુધારો નહીં કરે તો તે વધુ મુશ્કેલીમાં મુકાશે. તેમણે સ્પષ્ટ કર્યું કે સેનાના ખોટા અહંકારને કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી રહ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન લિબિયાને ૪ બિલિયન ડોલરના હથિયારો વેચવા માટે મથામણ કરી રહ્યું છે. મૌલાનાની આ લાલ આંખે સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનની અંદર જ હવે સેનાની જોહુકમી સામે બળવો શરૂ થઈ ગયો છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
