<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

AIની દુનિયામાં 'બિગ ફાઈટ': ન્યૂ યોર્ક ટાઇમ્સના દિગ્ગજ પત્રકારે એલોન મસ્ક, ગૂગલ અને ChatGPT સામે ઠોક્યો દાવો!

થેરાનોસ કૌભાંડનો પર્દાફાશ કરનાર તપાસ પત્રકાર જોન કેરેરોએ કેલિફોર્નિયા ફેડરલ કોર્ટમાં એવો આરોપ લગાવ્યો : આ ટેક જાયન્ટ્સ તેમના ચેટબોટ્સને શક્તિશાળી બનાવવા માટે લાખો પુસ્તકોની 'પાઇરેસી' કરી રહ્યા છે: જે લેખકોના સર્જનાત્મક હકો પર સૌથી મોટો હુમલો છે

કેલિફોર્નિયા:  સિલિકોન વેલીના મોટા-મોટા કૌભાંડોનો પર્દાફાશ કરનાર વિખ્યાત પત્રકાર જોન કેરેરોએ હવે વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓ સામે મોરચો માંડ્યો છે. 'બેડ બ્લડ' પુસ્તકના લેખક કેરેરોએ પાંચ અન્ય પ્રતિષ્ઠિત લેખકો સાથે મળીને એલોન મસ્કની xAI, ઓપન એઆઈ (ChatGPT), ગૂગલ, મેટા અને પર્પ્લેક્સિટી જેવી દિગ્ગજ કંપનીઓ પર ગંભીર કાનૂની દાવો દાખલ કર્યો છે. આરોપ છે કે આ કંપનીઓએ તેમના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ્સને તાલીમ આપવા માટે હજારો લેખકોના પુસ્તકોની પરવાનગી વગર ચોરી કરી છે. આ પહેલીવાર છે જ્યારે એલોન મસ્કની નવી AI કંપની xAI ને આ પ્રકારના ગંભીર કોપીરાઇટ વિવાદમાં પ્રતિવાદી તરીકે કોર્ટમાં ખેંચવામાં આવી છે.

આ કાનૂની લડાઈ ત્યારે વધુ તેજ બની જ્યારે કેરેરોએ એન્થ્રોપિક (Anthropic) કંપની સાથેના અગાઉના $1.5 બિલિયનના સમાધાનને 'અપૂરતું' ગણાવીને ફગાવી દીધું હતું. કેરેરોએ ન્યાયાધીશ સમક્ષ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, લેખકોની પરવાનગી વગર પુસ્તકોનો ડેટા ચોરી કરીને AI બનાવવો એ આ કંપનીઓનું 'મૂળ પાપ' (Original Sin) છે. પત્રકારના મતે, આ કંપનીઓ લેખકોની વર્ષોની મહેનતને માત્ર ડેટા માનીને મફતમાં વાપરી રહી છે, જેનાથી ભવિષ્યમાં સર્જનાત્મક ક્ષેત્ર અને લેખકોના અસ્તિત્વ સામે મોટું જોખમ ઊભું થઈ શકે છે. આ કેસ હવે ડિજિટલ યુગમાં બૌદ્ધિક સંપદાના રક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી મુજબ, આ AI કંપનીઓ જે ચેટબોટ્સ દ્વારા લાખો ડોલરની કમાણી કરી રહી છે, તેનો પાયો જ 'પાઇરેટેડ' સાહિત્ય પર ટકેલો છે. ટેક કંપનીઓ દલીલ કરી રહી છે કે આ 'ફેર યુઝ' (સામાન્ય ઉપયોગ) ના દાયરામાં આવે છે, પરંતુ કેરેરો જેવા તપાસ પત્રકારો તેને સરેઆમ લૂંટ ગણાવી રહ્યા છે. જો આ કેસમાં કોર્ટ લેખકોની તરફેણમાં ચુકાદો આપે છે, તો ગૂગલ અને મેટા જેવી કંપનીઓએ અબજો ડોલરનું વળતર ચૂકવવું પડી શકે છે અથવા તેમના AI મોડલ્સને નવેસરથી ટ્રેન કરવાની ફરજ પડી શકે છે. હાલમાં આ વિવાદે સમગ્ર ટેક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.

(7:43 PM IST)