News of Tuesday, 23rd December 2025
બિરયાનીએ ફરી જીત્યું ભારતનું દિલ: સ્વિગી પર સેકન્ડમાં ૩ ઓર્ડર સાથે બની 'ફૂડ ઓફ ધ યર' : બર્ગર ૪૪.૨ મિલિયન ઓર્ડર સાથે બીજા ક્રમે અને પિઝા ૪૦.૧ મિલિયન ઓર્ડર સાથે ત્રીજા સ્થાને
સ્વિગીના ૧૦મા વાર્ષિક રિપોર્ટ 'હાઉ ઇન્ડિયા સ્વિગ્ડ'માં ઘટસ્ફોટ થયો છે કે ૨૦૨૫માં ભારતીયોએ રેકોર્ડબ્રેક ૯૩ મિલિયન બિરયાની ઓર્ડર કરી : દર મિનિટે ૧૯૪ થી વધુ લોકોએ આ સુગંધિત વાનગીનો સ્વાદ માણ્યો

બેંગલુરુ: ફૂડ ડિલિવરી જાયન્ટ સ્વિગીએ તેના વર્ષ ૨૦૨૫નો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે, જે દર્શાવે છે કે ટેકનોલોજી અને નવા ટ્રેન્ડ્સ બદલાવા છતાં ભારતીયોનો બિરયાની પ્રત્યેનો પ્રેમ અટલ છે. સતત ૧૦મા વર્ષે બિરયાની ભારતની સૌથી લોકપ્રિય વાનગી તરીકે ઉભરી આવી છે. આ વર્ષે કુલ ૯.૩ કરોડ બિરયાનીના ઓર્ડર મળ્યા હતા, જેમાંથી ૫૭.૭ મિલિયન ઓર્ડર તો માત્ર 'ચિકન બિરયાની'ના હતા. રિપોર્ટ મુજબ, દેશમાં દર સેકન્ડે અંદાજે ૩.૨૫ બિરયાની ડિલિવર કરવામાં આવી હતી. આ આંકડાઓ સાબિત કરે છે કે બિરયાની માત્ર ખોરાક નથી, પણ ભારતીયો માટે એક લાગણી બની ગઈ છે.
યાદીમાં અન્ય વાનગીઓની વાત કરીએ તો, બર્ગર ૪૪.૨ મિલિયન ઓર્ડર સાથે બીજા ક્રમે અને પિઝા ૪૦.૧ મિલિયન ઓર્ડર સાથે ત્રીજા સ્થાને રહ્યા છે. દક્ષિણ ભારતીય વાનગી ઢોસાએ પણ ૨૬.૨ મિલિયન ઓર્ડર સાથે ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. ખાસ વાત એ છે કે સાંજના નાસ્તાના સમયગાળામાં સમોસા અને આદુવાળી ચાની માંગમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. સ્વિગીને આ વર્ષે ૩.૪ મિલિયન સમોસા અને ૨.૯ મિલિયન આદુવાળી ચાના ઓર્ડર મળ્યા હતા. મીઠાઈઓમાં 'વ્હાઈટ ચોકલેટ કેક' ૬.૯ મિલિયન ઓર્ડર સાથે ટોચ પર રહી હતી, જ્યારે ગુલાબ જાંબુ પણ ફેવરિટ લિસ્ટમાં સામેલ હતા.
સ્થાનિક સ્વાદની સાથે ભારતીયો હવે વૈશ્વિક સ્વાદ તરફ પણ વળ્યા છે. સ્વિગીના અહેવાલ મુજબ, પહાડી અને પ્રાદેશિક ભોજનના ઓર્ડરમાં આ વર્ષે ૯ ગણો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, મેક્સીકન ફૂડ માટે ૧૬ મિલિયન અને તિબેટીયન ફૂડ માટે ૧૨ મિલિયન ઓર્ડર મળ્યા હતા, જ્યારે કોરિયન ફૂડની લોકપ્રિયતા પણ ઝડપથી વધી રહી છે. રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે રાત્રિભોજનના ઓર્ડર બપોરના ભોજન કરતા ૩૨% વધુ હતા, જે દર્શાવે છે કે ભારતીયો હવે મોડી રાત્રે ભોજન કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ડિલિવરી પાર્ટનર્સે આ વર્ષે કુલ ૧.૨૪ અબજ કિલોમીટરનું અંતર કાપ્યું હતું, જે પૃથ્વીથી ચંદ્ર સુધીના અનેક ફેરા સમાન છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
