<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

મધ્યપ્રદેશ :SIR ડ્રાફ્ટ યાદીમાં ૪૨ લાખથી વધુ નામો ગાયબ : રાજકીય પક્ષોમાં મચ્યો ખળભળાટ

એકલી રાજધાની ભોપાલમાં જ ૪ લાખથી વધુ નામો કપાતા હવે ૨૧ ફેબ્રુઆરીએ જાહેર થનારી અંતિમ યાદી પર સૌની નજર ટકેલી છે.

ભોપાલ:  મધ્યપ્રદેશના રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે, કારણ કે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમાર ઝાએ SIR  હેઠળ મતદાર યાદીના શુદ્ધિકરણના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા એટલા ચોંકાવનારા છે કે રાજકીય સમીકરણો બદલાઈ શકે તેમ છે. સમગ્ર રાજ્યમાં કુલ ૪૨.૭૪ લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આ પ્રક્રિયાનો હેતુ મતદાર યાદીને પારદર્શક અને ક્ષતિરહિત બનાવવાનો છે. જે નામો કાઢવામાં આવ્યા છે તેમાં સૌથી વધુ ૩૧.૫૧ લાખ એવા લોકો છે જેઓ કાં તો સ્થળાંતર કરી ગયા છે અથવા લાંબા સમયથી ગેરહાજર છે. આટલા મોટા પાયે નામ કપાવાને કારણે આગામી ચૂંટણીઓમાં મતના ગણિતમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે.

રાજધાની ભોપાલની સ્થિતિ વધુ ગંભીર જોવા મળી છે, જ્યાં કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ ૪.૩૮ લાખથી વધુ મતદારોના નામ ઓછા થયા છે. પહેલા ભોપાલમાં ૨૧ લાખથી વધુ મતદારો હતા, જે હવે ઘટીને ૧૬.૮૭ લાખ રહી ગયા છે. ખાસ કરીને ગોવિંદપુરા અને નરેલા જેવી મોટી વિધાનસભા બેઠકો પર હજારોની સંખ્યામાં મતદારો ઘટી જવાથી સ્થાનિક નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે. ગોવિંદપુરામાં સૌથી વધુ ૯૭,૦૦૦ થી વધુ નામો કાઢી નાખવામાં આવ્યા છે. આ શુદ્ધિકરણ અભિયાનમાં ૮.૪૬ લાખ મૃતક મતદારો અને ૨.૭૭ લાખ એવા લોકોની પણ ઓળખ થઈ છે જેમની નોંધણી એક કરતાં વધુ સ્થળોએ હતી.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર 'ડ્રાફ્ટ' એટલે કે કાચી યાદી છે. જે લોકોના નામ ભૂલથી કપાઈ ગયા હોય અથવા જેમને કોઈ વાંધો હોય, તેઓ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી પોતાના દાવાઓ રજૂ કરી શકે છે. આ દાવાઓની ઝીણવટભરી તપાસ કર્યા બાદ ૨૧ ફેબ્રુઆરીએ આખરી ઓપ આપીને અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. પંચના આ કડક વલણથી હવે આગામી સમયમાં 'બોગસ વોટિંગ' જેવી સમસ્યાઓ પર લગામ લાગશે તેવી આશા સેવાઈ રહી છે. જોકે, આટલા મોટા પાયે નામ કપાવાને લઈને વિપક્ષી છાવણીમાં પણ ચહલ-પહલ તેજ થઈ ગઈ છે.

(7:54 PM IST)