<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

ભૂપેશ બઘેલનું વિવાદાસ્પદ નિવેદન: "મુઘલ કાળમાં પણ હિન્દુઓ ખતરામાં નહોતા" : ઇતિહાસના પાનાઓ અને રાજકીય ગરમાવા વચ્ચે છેડાઈ નવી ચર્ચા

દુર્ગમાં આયોજિત કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપ અને આરએસએસ પર ભય ફેલાવવાનો આરોપ લગાવ્યો

રાયપુર:  છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે હિન્દુત્વ અને ઇતિહાસને લઈને એક એવું નિવેદન આપ્યું છે જેણે રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. દુર્ગમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, "મુઘલ શાસન દરમિયાન પણ હિન્દુઓ ક્યારેય ખતરામાં નહોતા." બઘેલે ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, આ સંગઠનોએ માત્ર ભયનું વાતાવરણ ઉભું કરીને અને લોકોને ડરાવીને ત્રણ-ત્રણ ચૂંટણીઓ જીતી લીધી છે. તેમના આ નિવેદનને બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાના વર્તમાન સંદર્ભ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે, જ્યાં તાજેતરમાં એક હિન્દુ યુવાનની ક્રૂર હત્યા બાદ સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે.

બઘેલના આ દાવા બાદ ઇતિહાસકારો અને રાજકીય વિશ્લેષકોમાં તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ઇતિહાસના દસ્તાવેજો મુજબ, મુઘલ કાળ દરમિયાન હિન્દુઓએ અનેક યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ઔરંગઝેબના શાસનકાળમાં હિન્દુઓ પર લાદવામાં આવેલો 'જઝિયા કર' એ ધાર્મિક ભેદભાવનું સૌથી મોટું ઉદાહરણ માનવામાં આવે છે. ઇતિહાસ એવા પ્રસંગોથી ભરેલો છે જ્યાં ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કરનારા હિન્દુ રાજાઓ અને સામાન્ય પ્રજા પર અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા, મંદિરો તોડવામાં આવ્યા હતા અને ધાર્મિક સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી. આવા સંજોગોમાં બઘેલનું નિવેદન તથ્યોને નજરઅંદાજ કરતું હોવાનું અનેક લોકો માની રહ્યા છે.

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, આગામી સમયમાં આ નિવેદન કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. એકબાજુ જ્યારે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારો પર હુમલા અને ઘર સળગાવવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે મુઘલોને 'ઉદાર' બતાવવાની કોશિશ બહુમતી સમાજમાં નકારાત્મક સંદેશ આપી શકે છે. ભાજપે આ મામલે પલટવાર કરતા જણાવ્યું છે કે, વોટ બેંકના રાજકારણ માટે કોંગ્રેસના નેતાઓ ઇતિહાસ સાથે છેડછાડ કરી રહ્યા છે. અત્યારે સોશિયલ મીડિયા પર પણ આ નિવેદનને લઈને યુદ્ધ છેડાયું છે, જ્યાં લોકો એકબાજુ બઘેલની ટીકા કરી રહ્યા છે તો બીજી તરફ તેમના સમર્થકો તેને ભાજપના 'ડરના રાજકારણ'નો જવાબ ગણાવી રહ્યા છે.

(7:55 PM IST)