News of Tuesday, 23rd December 2025
બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ દાસની લિંચિંગમાં કરપીણ હત્યા: શુભેન્દુ અધિકારીની પીડિત પરિવારને દર મહિને આર્થિક મદદ કરવાની મોટી જાહેરાત
કોલકાતામાં બાંગ્લાદેશ હાઈ કમિશન સામે ભાજપના ભારે વિરોધ પ્રદર્શન; શુભેન્દુ અધિકારીએ ચેતવણી આપી- "જો અત્યાચાર નહીં અટકે તો ૨૬ ડિસેમ્બરે ૧૦,૦૦૦ લોકો સાથે મોટું આંદોલન થશે"

કોલકાતા : બાંગ્લાદેશના મૈમનસિંઘ જિલ્લામાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની નિર્મમ હત્યા બાદ પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ આજે પીડિત પરિવાર માટે મોટી મદદની જાહેરાત કરી છે. શુભેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે તેઓ મૃતક દીપુ દાસના પરિવારને દર મહિને આર્થિક સહાય પૂરી પાડશે જેથી પરિવારનું ભરણપોષણ થઈ શકે.
૨૫ વર્ષીય દીપુ ચંદ્ર દાસ એક ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો. ૧૮ ડિસેમ્બરની રાત્રે કથિત ઇશનિંદાના ખોટા આરોપો લગાવીને ઉશ્કેરાયેલું ટોળું ફેક્ટરીમાં ઘૂસી ગયું હતું. આ ટોળું દીપુને સુરક્ષા રૂમમાંથી બળજબરીથી ખેંચીને બહાર લઈ ગયું હતું અને તેને નિર્દયતાથી માર માર્યો હતો. અત્યંત હૃદયદ્રાવક બાબત એ છે કે, હત્યા બાદ તેના મૃતદેહને હાઈવે પર એક ઝાડ સાથે બાંધીને સળગાવી દેવામાં આવ્યો હતો. બાંગ્લાદેશની તપાસ એજન્સી (RAB) એ પણ કબૂલ્યું છે કે દીપુ વિરુદ્ધ ઇશનિંદાના કોઈ પુરાવા મળ્યા નથી.
દીપુ દાસની હત્યાના વિરોધમાં સોમવારે શુભેન્દુ અધિકારીએ કોલકાતામાં બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશનની બહાર ૨,૦૦૦થી વધુ સમર્થકો અને સાધુ-સંતો સાથે મોટું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસનું પૂતળું પણ સળગાવ્યું હતું. પોલીસે હાઈ કમિશનમાં પ્રવેશતા રોકતા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે: ૨૪ ડિસેમ્બર: પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં એક કલાકનો રસ્તો રોકો આંદોલન કરવામાં આવશે. ૨૬ ડિસેમ્બર: જો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા નહીં અટકે, તો હાઈ કમિશનની બહાર ૧૦,૦૦૦ લોકો સાથે ફરીથી આંદોલન છેડવામાં આવશે.
અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે તેઓ આવતીકાલે દીપુ દાસના પરિવાર સાથે સીધી વાત કરશે અને નિયમિત આર્થિક મદદની પ્રક્રિયા નક્કી કરશે. આ હત્યા બાદ બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ફેક્ટરીના કેટલાક અધિકારીઓનો પણ સમાવેશ થાય છે
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
