<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

મધ્યરાત્રિએ ઉર્ફી જાવેદના ઘરે બે અજાણ્યા શખ્સોનો આતંક: ૧૦ મિનિટ સુધી સતત ડોરબેલ વગાડી ઘરમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ; રડતી હાલતમાં અભિનેત્રીએ પોલીસ બોલાવી!

સવારે ૩:૩૦ વાગ્યે દરવાજો ખોલવા માટે દબાણ કરી શખ્સોએ કરી અભદ્ર ભાષામાં વાત; પોલીસની હાજરીમાં પણ શખ્સોએ અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા મુંબઈમાં ચકચાર

મુંબઈ: પોતાની વિચિત્ર ફેશન સ્ટાઇલને કારણે હંમેશા ચર્ચામાં રહેતી અભિનેત્રી ઉર્ફી જાવેદ આ વખતે એક ગંભીર અને ભયાનક અનુભવને કારણે સમાચારમાં છે. ૨૨ ડિસેમ્બરની મોડી રાત્રે ઉર્ફીના મુંબઈ સ્થિત નિવાસસ્થાને બે અજાણ્યા શખ્સોએ બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાથી એકલી રહેતી અભિનેત્રી એટલી હદે ડરી ગઈ હતી કે તેણે તાત્કાલિક પોલીસની મદદ લેવી પડી હતી.
ઉર્ફીએ સોશિયલ મીડિયા અને મીડિયા સમક્ષ આ ઘટનાનું વિગતવાર વર્ણન કરતા જણાવ્યું કે, "સવારે લગભગ ૩:૩૦ વાગ્યે અચાનક મારા ઘરની ડોરબેલ વાગવા લાગી. કોઈ સતત ૧૦ મિનિટ સુધી બેલ વગાડતું રહ્યું. જ્યારે મેં હિંમત કરીને તપાસ કરી તો બહાર બે અજાણ્યા માણસો ઉભા હતા. તેમાંથી એક શખ્સ બળજબરીથી દરવાજો ખોલાવવા માંગતો હતો અને અંદર આવવા જીદ કરી રહ્યો હતો, જ્યારે બીજો શખ્સ થોડે દૂર ખૂણામાં ઉભો રહીને નજર રાખી રહ્યો હતો."
પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ ઉર્ફીએ પેલા માણસોને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું, પરંતુ તેઓએ સાંભળ્યું નહીં. આખરે ઉર્ફીએ મુંબઈ પોલીસને ફોન કર્યો. નવાઈની વાત એ છે કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હોવા છતાં, પેલા શખ્સો જરાય ડર્યા વગર અભિનેત્રી પ્રત્યે અભદ્ર ભાષા અને અપશબ્દોનો ઉપયોગ કરતા રહ્યા હતા. જોકે, પોલીસની કડકાઈ બાદ તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
ઉર્ફીએ આ મામલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે, "કોઈ પણ છોકરી જે એકલી રહેતી હોય, તેના ઘરની બહાર સવારે ૩ વાગ્યે અજાણ્યા લોકો આવીને હંગામો કરે તે અત્યંત ડરામણું છે. હું અત્યારે ખૂબ જ અસુરક્ષિત અનુભવી રહી છું અને ઈચ્છું છું કે પોલીસ આ શખ્સો સામે કડક કાર્યવાહી કરે." આ ઘટના બાદ ઉર્ફીના ચાહકો પણ તેની સુરક્ષાને લઈને ચિંતિત છે અને સોશિયલ મીડિયા પર તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

(9:13 PM IST)