<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

નવા વર્ષે મહાકાલના દર્શન માટે ઉજ્જૈનમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે: ૩૧ ડિસેમ્બરે ‘ભસ્મ આરતી’નું ઓફલાઇન બુકિંગ બંધ; શ્રદ્ધાળુઓ કરી શકશે માત્ર ‘મોબાઇલ દર્શન’

૨૫ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી સુધી ઓનલાઇન બુકિંગ પણ ફૂલ; ભીડને નિયંત્રિત કરવા વહીવટી તંત્રનો માસ્ટર પ્લાન, કાર્તિકેય મંડપમથી કરાશે વિશેષ દર્શનની વ્યવસ્થા

ઉજ્જૈન: વિશ્વના ૧૨ જ્યોતિર્લિંગોમાં મોખરાનું સ્થાન ધરાવતા ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં નવા વર્ષ ૨૦૨૬ના પ્રારંભે લાખો ભક્તો ઉમટી પડવાની શક્યતા છે. આ ભીડને જોતા મંદિર વહીવટી સમિતિએ એક મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષના અંતિમ દિવસ એટલે કે ૩૧ ડિસેમ્બરે ભસ્મ આરતી માટેની ઓફલાઇન બુકિંગ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
ઓનલાઇન સ્લોટ પહેલાથી જ બ્લોક: નાતાલની રજાઓ અને નવા વર્ષના વેકેશનને કારણે ૨૫ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી સુધી ભસ્મ આરતી માટેનું ઓનલાઇન બુકિંગ પહેલાથી જ બંધ (બ્લોક) કરી દેવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ભક્તોની ભારે ભીડને કારણે દર્શનમાં કોઈ અસુવિધા ન થાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટર રોશન કુમાર સિંહે જણાવ્યું હતું કે, દેશ-વિદેશથી આવતા ભક્તોને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને દર્શનની એક વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે.
૧ જાન્યુઆરીએ ‘મોબાઇલ દર્શન’ની વ્યવસ્થા: ૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૪:૧૫ વાગ્યે ભસ્મ આરતી યોજાશે. જે ભક્તો પાસે પરમિટ નથી, તેઓ કાર્તિકેય મંડપમથી 'મોબાઇલ દર્શન' (ચાલતા-ચાલતા દર્શન) કરી શકશે. આ વ્યવસ્થાથી વધુમાં વધુ ભક્તો બાબા મહાકાલની ભસ્મ આરતીના દર્શનનો લાભ લઈ શકશે. ભસ્મ આરતી પૂર્ણ થયા બાદ તરત જ સામાન્ય દર્શનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
 સામાન્ય શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે:
: ભક્તો ચારધામ મંદિરથી શક્તિપથ, ત્રિવેણી મ્યુઝિયમ દ્વાર અને મહાકાલ મહાલોક થઈને મંદિરમાં પ્રવેશ મેળવી શકશે.
 દર્શન કર્યા પછી, ભક્તો ઇમરજન્સી એક્ઝિટ ગેટ દ્વારા બહાર નીકળશે અને બડા ગણેશ મંદિર તથા હરસિદ્ધિ સ્ક્વેર થઈને પરત ફરી શકશે. નવા વર્ષે બાબા મહાકાલના આશીર્વાદ લેવા માટે અત્યારથી જ ઉજ્જૈનની તમામ હોટલો અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગઈ છે. વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી, છાંયડો અને મેડિકલ સુવિધાઓ માટે પણ વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે

(9:14 PM IST)